News in short: સુનંદા પુષ્કર કેસમાં દિલ્હી પોલીસ થરૂર વિરુદ્ધ હાઈ કોર્ટમાં

02 December, 2022 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જસ્ટિસ ડી. કે. શર્માએ દિલ્હી પોલીસના વકીલને એની અરજીની કૉપી થરૂરના વકીલને પૂરી પાડવા જણાવ્યું હતું

સુનંદા પુષ્કર કેસમાં દિલ્હી પોલીસ થરૂર વિરુદ્ધ હાઈ કોર્ટમાં

નવી દિલ્હી: કૉન્ગ્રેસના નેતા શશી થરૂરની મુશ્કેલી વધી શકે છે. તેમનાં પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસના સંબંધમાં તેમને મુક્ત કરતા ટ્રાયલ કોર્ટના ૨૦૨૧ના આદેશને દિલ્હી પોલીસે ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ ડી. કે. શર્માએ દિલ્હી પોલીસના વકીલને એની અરજીની કૉપી થરૂરના વકીલને પૂરી પાડવા જણાવ્યું હતું. થરૂરના વકીલે દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસની અરજી થરૂરને મળી નથી અને ઇરાદાપૂર્વક ખોટા ઈ-મેઇલ આઇડી પર મોકલવામાં આવી હતી. દિલ્હીની એક લક્ઝરી હોટેલમાં બિઝનેસવુમન પુષ્કર મૃત અવસ્થામાં મળ્યાંને સાત વર્ષ બાદ આ કેસમાં થરૂરને મુક્ત કરવામાં આવ્યા હતા. 

સુપ્રીમ કોર્ટ દ્વારા માત્ર મહિલા જજોની બેન્ચની રચના કરાઈ

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ગઈ કાલે લગ્નવિષયક વિવાદો અને જામીનના મામલે સંકળાયેલી ટ્રાન્સફર અરજીની સુનાવણી માટે જસ્ટિસ હિમા કોહલી અને બેલા એમ. ત્રિવેદીની સમાવેશ કરતી મહિલા બેન્ચની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં ત્રીજી વખત માત્ર મહિલા બેન્ચની રચના કરવામાં આવી છે. ૨૦૧૩માં જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને રંજના પ્રકાશ દેસાઈની બેન્ચની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૦૧૮માં જસ્ટિસ આર. ભાનુમતી અને ઇન્દિરા બૅનરજીની બેન્ચની સ્થાપના કરવામાં આવી હતી.  

કૉન્ગ્રેસે મૅન્ગલોરમાં શિવાજીની પ્રતિમા સ્થાપવાનો વિરોધ કર્યો

મૅન્ગલોરઃ મૅન્ગલોર સિટી કૉર્પોરેશનમાં કૉન્ગ્રેસના સભ્યોએ આ શહેરમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપવાના પ્રસ્તાવની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પહેલાં કૉર્પોરેશનની મીટિંગમાં છત્રપતિ શિવાજી મરાઠા અસોસિએશનની માગણીને ધ્યાનમાં રાખીને આ શહેરમાં મહાવીર સર્કલ ખાતે શિવાજીની પ્રતિમા સ્થાપવા મંજૂરી અપાઈ હતી. 

national news sunanda pushkar shashi tharoor