આજે થશે આઝાદીનું બીજું આંદોલન ભયમુક્ત ભારત, અન્યાય મુક્ત ભારત

20 July, 2026 11:13 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સંસદ પરની કૂચને સફળ બનાવવાનું આહ્વાન કરીને હૉસ્પિટલમાંથી આપેલા હસ્તલિખિત સંદેશમાં સોનમ વાંગચુકે કહ્યું...

જંતરમંતર પર ગઈ કાલે હજારોની અત્યાર સુધીની સૌથી વધુ ભીડ જોવા મળી હતી.

જનતાને જોરશોરથી જોડાવા માટે અપીલ કરનારી CJPએ દિલ્હી પોલીસ પાસેથી રૅલી કાઢવા માટે કોઈ પરવાનગી માગી નથી અને પોલીસે કોઈ મંજૂરી આપી નથી

નવી દિલ્હીના જંતરમંતર ખાતે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનમાં ૨૧ દિવસની ભૂખહડતાળ બાદ સોનમ વાંગચુકને શનિવારે વહેલી સવારે હૉસ્પિટલભેગા કરવામાં આવ્યા પછી તેમણે સફદરજંગ હૉસ્પિટલના બિછાનેથી તેમના સમર્થકોને આપેલા પોતાના પહેલા સંદેશમાં સંસદ પરની કૂચને સફળ બનાવવા આહ્‍વાન કર્યું હતું. તેમણે પોતાને હૉસ્પિટલમાં ખસેડવાના સરકારના નિર્ણયને ગેરકાયદે અટકાયત ગણાવી હતી.

૫૯ વર્ષના વાંગચુકે આ સંદેશ એક કાગળ પર લખ્યો હતો અને એને પત્ની ગીતાંજલિ ઍન્ગ્મો દ્વારા સમર્થકો સુધી પહોંચાડ્યો હતો. એનો ફોટો વાંગચુકના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરવામાં આવ્યો હતો. CJPના ઉપક્રમે આજે સંસદ તરફની આયોજિત કૂચને સફળ બનાવવા માટે વિનંતી કરતાં વાંગચુકે આ અભિયાનને ભારતનું બીજું સ્વતંત્રતા-આંદોલન ગણાવ્યું હતું. તેમણે ભયમુક્ત ભારત અને અન્યાયમુક્ત ભારતનું આહવાન કર્યું હતું.

નવી દિલ્હી જિલ્લામાં પોલીસે લાગુ કરી દીધી કલમ 163

દિલ્હી પોલીસે ગઈ કાલે જાહેરાત કરી હતી કે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ આજની સંસદ તરફની પ્રસ્તાવિત કૂચ માટે અથવા કોઈ પણ સરઘસ માટે પરવાનગી માગી નથી કે એ મંજૂર કરવામાં આવી નથી.
પોલીસે નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 (અગાઉની કલમ 144) હેઠળ પ્રતિબંધાત્મક આદેશ અમલમાં લગાવી દીધો છે. આ હેઠળ વિરોધકૂચ, સરઘસ, પ્રદર્શનો અને પાંચ કે એથી વધુ લોકોના કોઈ પણ મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. શાંતિપૂર્ણ પ્રદર્શનો ફક્ત પૂર્વ પરવાનગીથી જ જંતરમંતર ખાતે નિયુક્ત વિરોધસ્થળ પર જ યોજી શકાય છે.
પોલીસે સ્પષ્ટતા કરી હતી કે સંસદનું મૉન્સૂનસત્ર આજથી શરૂ થવાનું છે. જનતાની સલામતી, સુરક્ષિત વ્યક્તિઓની સલામતી અને મહત્ત્વપૂર્ણ સરકારી સ્થાપનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ અનધિકૃત પ્રવૃત્તિ સાંખી લેવામાં આવશે નહીં.
દિલ્હી પોલીસે ચેતવણી આપી હતી કે કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ આ પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ અથવા જૂથ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી પોલીસે તમામ નાગરિકોને કાયદાનું સંપૂર્ણ સન્માન કરવાની અપીલ કરી છે. પોલીસ-પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ રાજધાનીમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાનો છે. સંસદના સત્ર દરમિયાન સુરક્ષા-સંવેદનશીલતા વધારી દેવામાં આવે છે. નાગરિકોને અફવાઓને અવગણવા અને ફક્ત સત્તાવાર માહિતીનું પાલન કરવા વિનંતી છે.

સંસદ તરફ કૂચ માટે CJPએ બહાર પાડી ડૂઝ અને ડોન્ટ્સની સલાહ
CJPએ આજની જંતરમંતરથી સંસદ ભવન સુધીની ‘ચલો સંસદ’ કૂચમાં ભાગ લેનારાઓએ પૉલિટિકલ ઝંડાઓથી દૂર રહેવાની અપીલ કરીને શું કરવું અને શું ન કરવું એની વિગતવાર યાદી જાહેર કરી છે. 
શું કરવું? ઃ સમર્થકોએ ફક્ત તિરંગા સાથે રાખવા; બંધારણની નકલો અથવા રાષ્ટ્રીય પ્રતિભાઓ જેવી કે મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર અથવા ભગત સિંહના ફોટોગ્રાફ્સ લાવવા; ‘જય હિન્દ’, ‘ભારત માતા કી જય’, ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ અને ‘જય ભીમ’ જેવા સકારાત્મક સૂત્રોચ્ચાર કરવા; કાર્યવાહી રેૉર્ડ કરવી અને કોઈ પણ સંજોગોમાં શાંતિપૂર્ણ રહેવા વિનંતી કરવામાં આવી છે.
શું ન કરવું? ઃ કૂચ માટે ભૂખ્યા ન આવવું, ભરપેટ જમીને આવવું; માથા પર ટોપી કે દુપટ્ટો રાખવો; કોઈ મિસચીફ થાય તો ચૂપ ન રહેવું; તમારી સાથે કોઈ મિત્રને અથવા પાડોશીને લાવવો અને રાષ્ટ્રધ્વજનું અપમાન ન કરવું.

જંતરમંતર પાસે વૉટર કૅનન લગાવવામાં આવી, પોલીસોની સંખ્યા વધી
CJPના આજના ‘સંસદ ચલો’ કૂચ પહેલાં દિલ્હીના જંતરમંતરની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. સુરક્ષાદળો વૉટર કૅનન સાફ કરી રહ્યાં હતાં અને વધારાની પોલીસ અને અર્ધલશ્કરી દળોની ટીમો ગોઠવી દેવામાં આવી છે. CJPએ આરોપ લગાવ્યો છે કે વિરોધ-સ્થળની નજીક બસો, પાણીની તોપ અને ટિયરગૅસનાં સાધનો મૂકવામાં આવ્યાં છે. આના કારણે વિરોધ-આંદોલન સામે પોલીસ-કાર્યવાહીનો ભય છે.

આજે હન્ગર સ્ટ્રાઇક પૂરી કરવા માટે સોનમ વાંગચૂકે મૂકી શરત: જો કોઈ રાજનેતા સંસદમાં આ મુદ્દો ઉઠાવવાનું વચન આપે તો હું ભૂખહડતાળ પૂરી કરી દઈશ

ગીતાંજલિ ઍન્ગ્મો ગઈ કાલે રાતે સોનમ વાંગચુકનો સંદેશો લઈને જંતરમંતર પહોંચ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે સોનમ વાંગચુક આજે તેમની ભૂખહડતાળ પૂરી કરી દેશે, પરંતુ એ માટે તેમની એક શરત છે. જો કોઈ રાજનેતા હૉસ્પિટલ પહોંચીને સોનમને મળે અને તેમને વિશ્વાસ અપાવે કે તેઓ સંસદમાં આ મુદ્દો ઉઠાવશે તો તેઓ ભૂખહડતાળ ખતમ કરવા તૈયાર છે. તેમની ડિમાન્ડ છે કે શિક્ષણવ્યવસ્થામાં જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે અને આ મુદ્દે સંસદમાં ગંભીર ચર્ચા થાય. જો કોઈ નેતા તરફથી સકારાત્મક આશ્વાસન મળે તો સોનમ ભૂખહડતાળ પૂરી કરી દેશે. 

સોનમ વાંગચુકને અન્ય હૉસ્પિટલમાં શિફ્ટ કરવાની પત્નીની માગણી હાઈ કોર્ટે ઠુકરાવી

કોર્ટે કહ્યું કે સફદરજંગ હૉસ્પિટલમાં તેમની બરાબર સારવાર થઈ રહી છે, સરકારે કોઈ ગેરકાયદે અટકાયત નથી કરી ઃ ૨૪ જુલાઈએ થશે સુનાવણી

સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. ઍન્ગ્મોએ સોનમને તાત્કાલિક સફદરજંગ હૉસ્પિટલમાંથી અન્ય હૉસ્પિટલમાં ખસેડવાની કરેલી માગણીની અરજીને દિલ્હી હાઈ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે સોનમ વાંગચુકને અન્ય હૉસ્પિટલમાંથી ખસેડવાની જરૂર નથી.

સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ ઍન્ગ્મોએ અપીલ કરી હતી કે સરકારી હૉસ્પિટલમાંથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે. ગીતાંજલિએ દાવો કર્યો હતો કે ‘અમારા ફ્લોર પર લગભગ ૩૦ પોલીસ-કર્મચારીઓ અને હૉસ્પિટલમાં ૧૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ તહેનાત હોવાથી અમારી અવરજવર પર ભારે પ્રતિબંધ છે. આ તબીબી સંભાળ નથી. એ ગેરકાયદે અટકાયત છે.’ 
ગીતાંજલિ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે કોર્ટમાં દલીલ કરી હતી કે હૉસ્પિટલ તેમના પોતાના ડૉક્ટરો અને વકીલોને પ્રવેશ આપી રહી નથી અને તેઓ જાણતા નથી કે તેમને શું સારવાર આપવામાં આવી રહી છે. સિબલે દલીલ કરી હતી કે સોનમ વાંગચુક અટકાયતમાં નથી, તેમની સામે કોઈ કેસ નથી. શું ભારતના નાગરિકને ‘હું મારી પસંદગીની હૉસ્પિટલમાં 
જવા માગું છું’ એમ કહેવાનો પણ અધિકાર નથી?

આ મુદ્દે જસ્ટિસ મિની પુષ્કર્ણાએ આદેશમાં કહ્યું હતું કે ‘દરેક જીવન કીમતી છે. વાંગચુકના પરિવારના સભ્યોને એક અલગ રૂમ આપવામાં આવ્યો છે અને તેઓ તેમની આસપાસ સમય વિતાવી શકે છે. આને ધ્યાનમાં રાખીને આ તબક્કે કોઈ વચગાળાનો આદેશ આપવાની જરૂર નથી. એકંદર દૃષ્ટિકોણને ધ્યાનમાં લેતાં આ કોર્ટનો મત છે કે સરકારે તબીબી સ્થિતિને કારણે વાંગચુકને હૉસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હોવાથી આ કોર્ટ એને મનસ્વી કાર્યવાહી માનતી નથી. સફદરજંગ હૉસ્પિટલના ડૉક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યા હોવાથી અને તેમની સંમતિ મુજબ તેમને મૌખિક પૂરક દવાઓ આપી હોવાથી એવું કહી શકાય નહીં કે વાંગચુક સામે કોઈ બળનો ઉપયોગ થઈ રહ્યો છે.’ હાઈ કોર્ટે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય વિશે ૩ દિવસમાં સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે અને સુનાવણીની આગામી તારીખ ૨૪ જુલાઈ નક્કી કરી હતી.

સિંગલ જજના આદેશને ડબલ જજની બેન્ચ સામે પડકારીશ
દિલ્હી હાઈ કોર્ટે અપીલને રદિયો આપ્યા બાદ સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. ઍન્ગ્મોએ હાઈ કોર્ટના સિંગલ જજના આદેશને ડબલ બેન્ચ સમક્ષ પડકારવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે સિનિયર વકીલ વિવેક તંખાએ જણાવ્યું હતું કે તેઓ હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ આ આદેશને પડકારતી અરજી દાખલ કરશે અને આજે તાત્કાલિક સુનાવણીની પણ માગણી કરશે.

national news india delhi news new delhi Sonam Wangchuk parliament cockroach janata party jantar mantar