દિલ્હી અને મુંબઈમાં વિસ્ફોટ કરવાના મોટા કાવતરાનો પર્દાફાશ

31 May, 2026 11:52 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ISI-મુંબઈ અન્ડરવર્લ્ડ નેટવર્કના ૯ આરોપી ઝડપાયા: દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલની કાર્યવાહીઃ આરોપીઓ પાસેથી હથિયારો અને વિસ્ફોટકો મળ્યાં

દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે પકડેલા ૯ આતંકવાદીઓ જેમાં મુંબઈના તૌકીર રિઝવાન (જમણે ઉપર) અને સાજિદ શેખ (જમણે નીચે)નો પણ સમાવેશ છે.

દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક મોટા આતંકવાદી-સંગઠિત ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ કરીને ૯ આરોપીની ધરપકડ કરી છે. આ નેટવર્ક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI), અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલાં તત્ત્વો અને પાકિસ્તાન-દુબઈસ્થિત ઑપરેટરો સાથે મળીને ભારતમાં એક મોટા આતંકવાદી કાવતરાને અંજામ આપવાની તૈયારીમાં હતું. પોલીસે આરોપીઓ પાસેથી વિસ્ફોટકો, ગ્રેનેડ અને અત્યાધુનિક વિદેશી શસ્ત્રો જપ્ત કર્યાં છે. જપ્ત કરાયેલા વિસ્ફોટકો કથિત રીતે સરહદ પારથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યા હતા.

આ નેટવર્કને પાકિસ્તાન અને દુબઈ સાથે લિન્ક છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન અને પંજાબ સહિત વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા સંકલિત ઑપરેશન દરમ્યાન આ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને દેશમાં મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

કેવી રીતે કાર્યરત હતું નેટવર્ક?

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નેટવર્ક ૩ સ્તરે કાર્યરત હતું. પાકિસ્તાનની ISI સમગ્ર ઑપરેશનની માસ્ટરમાઇન્ડ હતી, જ્યારે નેટવર્કનો એક ભાગ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલાં તત્ત્વોના નિર્દેશન હેઠળ કાર્યરત હતો. બીજો એક ભાગ પાકિસ્તાની ઑપરેટિવ શહઝાદ ભટ્ટી દ્વારા સંચાલિત હતો. તપાસ-એજન્સીઓ આ બધી લિન્ક્સની વિગતવાર તપાસ કરી રહી છે.

શું હતો ટાર્ગેટ?

આતંકવાદીઓ દિલ્હી અને અન્ય મુખ્ય શહેરોમાં મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નિશાન બનાવી રહ્યા હતા. સંભવિત લક્ષ્યોમાં પાવરપ્લાન્ટ, પાવર ઉત્પાદન અને વિતરણ કેન્દ્રો, ઍરપોર્ટ, રેલવે-સ્ટેશન અને ઊર્જા ક્ષેત્રને લગતાં અન્ય મહત્ત્વપૂર્ણ સ્થાપનોનો સમાવેશ થાય છે. સુરક્ષા-એજન્સીઓ માને છે કે આ સ્થળો પર હુમલાઓનો હેતુ દેશમાં વ્યાપક જાનહાનિ અને આવશ્યક સેવાઓને ખોરવવાનો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ મહત્ત્વપૂર્ણ ખુલાસાઓ થવાની અપેક્ષા છે. 

national news india delhi news mumbai terror attack isi delhi police