✕

દિલ્હીમાં જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ

29 November, 2026 01:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગુજરાતના વડોદરામાં ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડે (ATS) જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત સંબંધો ધરાવતા બાવીસ વર્ષના મોહમ્મદ શાહરુલની ધરપકડ કરી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે રાષ્ટ્રીય રાજધાનીમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. આ શંકાસ્પદ આતંકવાદીને સોશ્યલ મીડિયાના માધ્યમથી ભરતી કરવામાં આવ્યો હતો અને તે પોલીસની દેખરેખ હેઠળ હતો. આ કાર્યવાહી બાદ સુરક્ષા-એજન્સીઓ અલર્ટ છે અને આરોપીના સંભવિત સંપર્કોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ-અધિકારીઓ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે ગુજરાતમાં પકડવામાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સાથે તેનો સંબંધ છે કે નહીં.

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) કથિત રીતે સોશ્યલ મીડિયાનો ઉપયોગ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને તેમને સંગઠનમાં ભરતી કરવા માટે કરી રહી છે. આવા યુવાનો વિશે જાણકારી મળતાં પોલીસે આરોપીની ડિજિટલ ગતિવિધિ પર નજર રાખી હતી. પૂરતી જાણકારી મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના મોબાઇલ ફોન, સોશ્યલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મ પરની ગતિવિધિની તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વડોદરામાં ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડે (ATS) જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત સંબંધો ધરાવતા બાવીસ વર્ષના મોહમ્મદ શાહરુલની ધરપકડ કરી હતી. તેની પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી.

new delhi anti terrorism squad pakistan vadodara social media news national news jaish e mohammad