મિસિંગ છે અમારું ‘મતદાનકેન્દ્ર’

05 December, 2022 10:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વોટર્સે ફરિયાદ કરી કે તેમને એક મતદાનમથકમાંથી બીજામાં ધકેલવામાં આવ્યા

નવી દિલ્હીમાં ગઈ કાલે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે મતદાન કર્યા બાદ બીજેપીના સંસદસભ્ય ગૌતમ ગંભીર અને તેમનાં વાઇફ નતાશા જૈન.

નવી દિલ્હી : દિલ્હીના પાવરફુલ મ્યુનિસિપલ કૉર્પોરેશનને કોણ કન્ટ્રોલ કરશે એ નક્કી કરવા માટે ગઈ કાલે દિલ્હીવાસીઓએ મતદાન કર્યું હતું. આમ આદમી પાર્ટી, બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચેના આ ​ત્રિપાંખિયા જંગમાં ગાર્બેજ કલેક્શન એ સૌથી મોટો મુદ્દો રહ્યો હતો. રાજ્ય ચૂંટણી પંચ અનુસાર સરેરાશ મતદાન ૫૦ ટકા થયું હતું.

ગઈ કાલે સવારે આઠ વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી. સમગ્ર શહેરમાં અનેક વોટર્સે ફરિયાદ કરી હતી કે તેમનાં નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાને કારણે તેઓ મત આપી નહોતા શક્યા. આ ચૂંટણીમાં સદંતર અવ્યવસ્થા હોવાનો અનેક વોટર્સે આક્રોશ સાથે આરોપ મૂક્યો હતો. 

વેસ્ટ પટેલ નગરમાં એક મતદાનમથક ખાતે અનેક વોટર્સે દાવો કર્યો હતો કે તેમણે જ્યાં તેમનો મત આપવાનો છે એ મથકની શોધમાં તેઓ કલાકોથી ફરતા રહ્યા હતા. તેમને મત આપવા દેવાની ના પાડવામાં આવતા હતા અને બીજા મતદાનમથકમાં ધકેલવામાં આવતા હતા. 

કાલુ રામ નામના એક મતદારે કહ્યું હતું કે ‘હું છેલ્લા એક કલાક કરતાં વધારે સમયથી મારા બાળકની સાથે ફરી રહ્યો છું. મને મત આપવા માટે કોઈ બૂથ મળ્યું નથી. મને બીજાં મતદાનમથકોમાં ધકેલવામાં આવે છે. મારી પત્નીએ મત આપ્યો છે, પરંતુ હું મત આપી શક્યો નથી. કોઈ જાણતું નથી કે ક્યાં વોટ આપવાનો છે.’

આવી જ સમસ્યાનો સામનો કરનારી એક મહિલાએ કહ્યું હતું કે ‘અમે છેલ્લા બે કલાકથી ફરી રહ્યાં છીએ. અમને એમ કહીને જુદાં-જુદાં મતદાનમથકોમાં મોકલવામાં આવે છે કે તમે અહીં તમારો વોટ ન આપી શકો. ક્યાં મત આપવો એ જ અમે શોધી ન શકીએ તો વૉટ કેવી રીતે આપી શકીએ?’

એક યંગ વોટરે જણાવ્યું હતું કે ‘આ પહેલાં ચૂંટણીના સંબંધમાં તમામ માહિતી બતાવતી એક ઍપ હતી, પરંતુ હવે એ પણ વોટર-સ્લિપ્સની જેમ ખોટી માહિતી આપે છે. અહીં કોઈ જ સિસ્ટમ નથી. લોકોને ઑફિસ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે, સ્ટુડન્ટ્સને ટ્યુશન્સ જવામાં મોડું થઈ રહ્યું છે. આ કોઈ રીત નથી.’

બે વૃદ્ધ વોટર્સને પણ મુશ્કેલી નડી હતી; જેમાંથી એક જણે જણાવ્યું હતું કે ‘અમે વૃદ્ધ છીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ન ખાઈ શકીએ. અમારે અમારો વોટ આપ્યા વિના જ પાછું જતું રહેવું પડ્યું.’ 

મ્યુનિસપલ કૉર્પોરેશનની ૨૫૦ સીટ્સ માટેના જંગમાં ૧૩૦૦થી વધારે ઉમેદવારો હતા. બીજેપી ભલે છેલ્લાં ૨૪ વર્ષથી દિલ્હીમાં વિધાનસભાની કોઈ ચૂંટણી જીતી શકી નથી, પરંતુ પાર્ટી છેલ્લાં ૧૫ વર્ષથી મ્યુનિસિપલ કૉર્પોરેશન પર રાજ કરી શકી છે. 

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે તેમના પરિવારના સભ્યો સાથે દિલ્હીમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન કર્યું હતું.

national news delhi elections gautam gambhir arvind kejriwal