મર્ડર કર્યાનો વિડિયો પાકિસ્તાન મોકલ્યો અને ખાતામાં જમા થયા બે લાખ રૂપિયા

16 January, 2023 11:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બે આતંકવાદીઓએ એક યુવકની હત્યા કરીને એનો ૩૭ સેકન્ડ્સનો એક વિડિયો પાકિસ્તાનમાં તેમના હૅન્ડલરને મોકલ્યો હતો ઃ પ્રભાવશાળી હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડાયું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી : શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની મર્ડર કરવાની પદ્ધતિ હત્યા કરવાનો ઇરાદો ધરાવતા લોકો જ નહીં, પરંતુ હવે આતંકવાદીઓ પણ અપનાવવા લાગ્યા છે. ઉત્તર દિલ્હીમાં ધરપકડ કરવામાં આવેલા બે શકમંદ આતંકવાદીઓની કબૂલાતના આધારે શનિવારે એક મૃતદેહના ટુકડા મળ્યા હતા. સોર્સિસે ગઈ કાલે જણાવ્યું હતું કે આ મૃતદેહ ૨૧ વર્ષના એક ડ્રગ ઍડિક્ટનો હતો. તેના હાથ પરના ત્રિશૂલના ટૅટૂથી તેની ઓળખ થઈ હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં માતા-પુત્રીના ડબલ મર્ડર કેસથી ચકચાર

બે આરોપીઓ જગજિત સિંહ ઉર્ફે જગ્ગા અને નૌશાદે સૌપ્રથમ આ પીડિત યુવકની સાથે ફ્રેન્ડશિપ કરી હતી. એ પછી ૧૪-૧૫ ડિસેમ્બર દરમ્યાન તેને આદર્શનગરથી ભલસ્વા ડેરી એરિયામાં નૌશાદના ઘરે લઈ ગયા હતા. જગજિત અને નૌશાદે સૌપ્રથમ આ યુવકના આઠ ટુકડા કર્યા હતા. એટલું જ નહીં, તેમણે મર્ડરનો ૩૭ સેકન્ડ્સનો એક વિડિયો પણ રેકૉર્ડ કર્યો હતો અને સોહેલ નામના એક આતંકવાદીને મોકલ્યો હતો. સોહેલ પાકિસ્તાનમાં લશ્કર-એ-તય્યબા માટે કામ કરે છે. આ હત્યા માટે નૌશાદના બૅન્ક-અકાઉન્ટમાં બે લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. 
નૌશાદ આતંકવાદી છે. તે આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અન્સર માટે કામ કરે છે. જેલમાં તે લાલ કિલ્લા પર હુમલાના આરોપી આરિફ મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબાના આતંકવાદી સોહેલને મળ્યો હતો. સોહેલ ૨૦૧૮માં પાકિસ્તાન ગયો હતો અને ગયા વર્ષે એપ્રિલમાં જેલમાંથી બહાર આવ્યા બાદ નૌશાદ સોહેલના ટચમાં હતો.

સોહેલ દ્વારા નૌશાદને પ્રભાવશાળી હિન્દુ નેતાઓની હત્યા કરવાનું ટાસ્ક આપવામાં આવ્યું હતું.  

national news murder case new delhi pakistan lashkar-e-taiba anti-terrorism squad