શાહનવાઝ વિરુદ્ધ આખરે બળાત્કારનો કેસ દાખલ થશે

19 August, 2022 08:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી છે

પ્રતીકાત્મક તસવીર

બીજેપીના નેતા શાહનવાઝ હુસેન મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હી હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટે બળાત્કારનો આરોપ મૂકતી એક મહિલાની ફરિયાદ પર શાહનવાઝ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો દિલ્હી પોલીસને આદેશ આપ્યો હતો.

જસ્ટિસ આશા મેનને કહ્યું હતું કે એફઆઇઆર દાખલ કરવા જણાવતા ૨૦૧૮ના ટ્રાયલ કોર્ટના આદેશમાં કશું જ અયોગ્ય નથી. અદાલતે બુધવારે એના આદેશમાં જણાવ્યું હતું કે ‘અરજીને ફગાવી દેવામાં આવે છે. તાત્કાલિક એફઆઇઆર દાખલ કરવામાં આવે. તપાસ પૂરી કરીને મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ સમક્ષ વિસ્તૃત રિપોર્ટ ત્રણ મહિનામાં રજૂ કરવાનો રહેશે.’

અદાલતે જણાવ્યું હતું કે ‘એફઆઇઆરથી તંત્રની કામગીરી શરૂ થાય છે. જે અપરાધની ફરિયાદ કરવામાં આવી છે એની તપાસ માટેનો એ પાયો છે. માત્ર તપાસ બાદ જ પોલીસ તારણ પર આવી શકે છે કે અપરાધ થયો છે કે નહીં અને જો અપરાધ થયો હોય તો કોના દ્વારા થયો છે. અત્યારના કેસમાં પોલીસ એફઆઇઆર નોંધવા પણ તૈયાર ન હોય એમ જણાય છે.’

૨૦૧૮માં દિલ્હીની એક મહિલાએ હુસેન વિરુદ્ધ બળાત્કારનો આરોપ મૂકીને એફઆઇઆર નોંધવા નીચલી કોર્ટમાં ગઈ હતી. મૅજિસ્ટ્રેટની કોર્ટે ૨૦૧૮ની સાતમી જુલાઈએ હુસેન વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.

બીજેપીના નેતાએ એને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. 

શું હતો મામલો?
એપ્રિલ ૨૦૧૮માં એક મહિલાએ શાહનવાઝ હુસેન પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. મહિલાનો આરોપ હતો કે છતરપુરના એક ફાર્મહાઉસમાં માદક પદાર્થ ભોજનમાં ભેળવીને શાહનવાઝે તેના પર બળાત્કાર કર્યો હતો.

national news delhi high court