નજરે જોનારાએ જે કહ્યું એ સાબિત કર્યું CCTV ફૂટેજે, યુવતીની લાશ કારમાં ફસાઇ ઘસડાઇ રહી હતી

02 January, 2023 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક 20 વર્ષની યુવતીની સ્કૂટીને એક કારે ટક્કર મારી હતી.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

રવિવારે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. આઉટર દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક 20 વર્ષની યુવતીની સ્કૂટીને એક કારે ટક્કર મારી હતી. આ દરમિયાન યુવતી ગાડીમાં ફસાઈ ગઈ હતી અને લગભગ ચાર કિલોમીટર સુધી ઘસડાઈ હતી.આ ઘટના સાથે જોડાયેલા ઘણા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હવે વાહનના નવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે પ્રત્યક્ષદર્શીના દાવાની પુષ્ટિ કરે છે. નવા CCTV ફૂટેજમાં દિલ્હીના કાંઝાવાલા રોડના લાડપુર ગામમાં એક મારુતિ બલેનો કાર રસ્તા પર યુ-ટર્ન લેતી જોવા મળે છે. જ્યાં પ્રત્યક્ષદર્શી દીપક દહિયા મીઠાઈની દુકાન ચલાવે છે. પ્રત્યક્ષદર્શી દીપકે જણાવ્યું હતું કે કારે આગળ જતાં યુ-ટર્ન લીધો હતો.

દહિયાના જણાવ્યા અનુસાર, સ્કૂટીને ટક્કર માર્યા બાદ વાહને યુ-ટર્ન લીધો હતો. સવારે 3.34 વાગ્યે રેકોર્ડ કરાયેલા ફૂટેજમાં ગાડીને તોસી ગામ તરફ પાછી આવતી જોઈ શકાય છે, જ્યાં યુવતીની લાશ મળી આવી હતી. મૃતદેહને ગાડીની નીચે સ્પષ્ટપણે જોઈ શકાય છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ તેમના વાહનમાં ફસાયેલી યુવતીના મૃતદેહને 18 થી 20 કિલોમીટર સુધી ઘસેડતા રહ્યા અને તે લગભગ દોઢ કલાક સુધી ચાલ્યું.

આ પણ વાંચો: ગોઝારો અકસ્માત! યુવતીના તમામ હાડકાંઓ ભાંગીને ચકનાચુર, શરીર પર એક પણ વસ્ત્ર નહીં

દહિયાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે "સવારના 3:20 વાગ્યા હતા... હું દુકાનની બહાર ઊભો હતો ત્યારે મને લગભગ 100 મીટર દૂર એક વાહનનો જોરદાર અવાજ સંભળાયો. પહેલા મને લાગ્યું કે ટાયર ફાટ્યું છે. જેમ જેમ કાર આગળ વધી, મેં જોયું કે એક મૃતદેહ ગાડી સાથે ઘસડાઈ રહ્યો હતો. અને મેં તરત જ પોલીસને જાણ કરી."

પોલીસના જણાવ્યા અનુસાર, કંજાવાલા પોલીસ સ્ટેશન (રોહિણી જિલ્લો)માં સવારે 3.24 વાગ્યે માહિતી મળી હતી કે કુતુબગઢ વિસ્તાર તરફ જઈ રહેલી કાર સાથે એક લાશ બાંધેલી છે. તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આઉટર) હરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે પીડિતાનો પગ કારના એક પૈડામાં ફસાઈ ગયો હતો અને તેને લગભગ ચાર કિલોમીટર સુધી એ જ હાલતમાં ઘસેડવામાં આવી હતી.

 

national news new delhi delhi news