ઇન્ડિયા ગેટ રણમેદાન બન્યો

24 December, 2012 03:51 AM IST  | 

ઇન્ડિયા ગેટ રણમેદાન બન્યો



દિલ્હીમાં ગૅન્ગ-રેપ વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલું આંદોલન કાલે હિંસક બન્યું હતું. ઇન્ડિયા ગેટ પર યુવાનો અને પોલીસ વચ્ચેની અથડામણમાં બન્ને પક્ષે સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે કાલે ચારથી વધારે લોકોને એકત્ર થતા રોકવા માટે સમગ્ર શહેરમાં ૧૪૪ની કલમ લાગુ કરી હતી તથા ઇન્ડિયા ગેટનાં તમામ મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યાં હતાં તેમ છતાં કાલે પણ મોટી સંખ્યામાં લોકો ઊમટuા હતા. ભીડને વેરવિખેર કરવા માટે પોલીસે લાઠીચાર્જ અને પાણીનો મારો શરૂ કરતાં રોષે ભરાયેલા યુવાનોએ પથ્થરમારો શરૂ કર્યો હતો તથા સંખ્યાબંધ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. કાલે પોલીસે લોકોને વિખેરવા ટિયર ગૅસના ૧૫૦ શૅલ ફાયર કર્યા હતા. પોલીસનું કહેવું હતું કે કાલના આંદોલનમાં કેટલાંક અસામાજિક તkવો ભળતાં હિંસા થઈ હતી. રાષ્ટ્રપતિ ભવન, વડા પ્રધાન કાર્યાલય તથા મંત્રાલયોની ઑફિસો આવેલી છે એવા ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના વિસ્તારમાં કાલે પણ હજારોની સંખ્યામાં લોકો ઊમટuા હતા. દિલ્હીના પોલીસ-કમિશનર નીરજ કુમારના કહ્યા પ્રમાણે હિંસામાં કેટલાક પત્રકારો પણ ઘાયલ થયા હતા.


PHOTOS : દિલ્હી ગેંગરેપ કેસમાં વિરોધ પ્રદર્શન બન્યું પ્રચંડ



બાબા રામદેવ પણ જોડાયા


યુવાનોના આંદોલનમાં કાલે યોગગુરુ બાબા રામદેવ પણ જોડાયા હતા. તેઓ આર્મીના ભૂતપૂર્વ વડા જનરલ વી. કે. સિંહ સાથે જંતરમંતર પહોંચ્યા હતા. જંતરમંતર ખાતે પણ પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસે રામદેવ વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનો કેસ નોંધાયો હતો. આ તરફ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા પણ ઇન્ડિયા ગેટ નજીક આવેલા હૈદરાબાદ હાઉસ પાસે ધરણાં પર બેઠા હતા. બીજેપીની યુવા પાંખના સભ્યો પણ આંદોલનમાં સામેલ થયા હતા.

દિલ્હીમાં સિક્યૉરિટી વધી

લોકોનાં સજેશનોને ધ્યાનમાં રાખતાં સરકાર કાલે રેપ અને જાતીય સતામણી જેવા મહિલાઓ સામેના ગુનાઓની ફાસ્ટ ટ્રૅક ધોરણે ટ્રાયલ માટે સંમત થઈ હતી. એટલું જ નહીં, દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો હતો. સાદા વેશમાં સજ્જ સંખ્યાબંધ પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. સરકારે એમ પણ કહ્યું હતું કે ફરિયાદ મળ્યાં બાદ પોલીસ કે અન્ય સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે મોડા પહોંચશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ તપાસ કરશે


૨૩ વર્ષની યુવતી પર ગૅન્ગ-રેપની તપાસ તથા મહિલાઓની સુરક્ષા માટેનાં પગલાં સૂચવવા માટે રચાયેલા કમિશનનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કરશે. દિલ્હીના સ્પેશ્યલ કમિશનર ઑફ પોલીસ ધર્મેન્દ્રકુમારે કાલે આ જાહેરાત કરી હતી. આ ઉપરાંત સરકારે બળાત્કાર વિરુદ્ધના કાયદામાં સુધારા માટે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ જે. એસ. વર્માના વડપણ હેઠળ ત્રણ સભ્યોની કમિટીની પણ રચના કરી છે.

વડા પ્રધાને મૌન તૌડ્યું

દિલ્હીની ગૅન્ગ-રેપની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે કાલે વડા પ્રધાન મનમોહન સિંહે મૌન તોડીને લોકોના આક્રોશને યોગ્ય ગણાવ્યો હતો. વડા પ્રધાને ખાતરી આપી હતી કે મહિલાઓની સુરક્ષા માટે શક્ય તમામ પગલાં ભરવામાં આવશે. વડા પ્રધાન ગૅન્ગ-રેપની ઘટનાને અત્યંત ઘૃણાસ્પદ ગણાવતાં લોકોના ગુસ્સાને સાચો કહ્યો હતો. વડા પ્રધાને તમામ નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે કાલે ઇન્ડિયા ગેટ પર પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચેની અથડામણ બદલ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. બળાત્કાર પીડિત યુવતી પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે આ યુવતીની ચિંતા કરવામાં આપણે બધા જ સાથે છીએ.

ગૅન્ગ-રેપ પીડિત યુવતી ફરી વેન્ટિલેટર પર : હાલત ગંભીર


૨૩ વર્ષની જે યુવતી પરના ગૅન્ગ-રેપના વિરોધમાં કાલે હિંસક આંદોલન થયાં હતાં તે યુવતીને ફરી વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે. તેને જ્યાં સારવાર આપવામાં આવી રહી છે એ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું કે તેની હાલત હજી પણ ગંભીર છે. હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. બી. ડી. અથાનીએ કહ્યું હતું કે શ્વોસોચ્છ્વાસમાં મુશ્કેલી થતાં યુવતીને ફરી વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.