લોકોના ગુસ્સના ડરથી પોલીસ યુવતીની રાત્રે જ અંતિમક્રિયા કરી દેવા માગતી હતી

31 December, 2012 03:46 AM IST  | 

લોકોના ગુસ્સના ડરથી પોલીસ યુવતીની રાત્રે જ અંતિમક્રિયા કરી દેવા માગતી હતી



સતત ૧૩ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ હારી ગયેલી ૨૩ વર્ષની યુવતીના અંતિમ સંસ્કાર કાલે દિલ્હીમાં વહેલી સવારે કરી દેવામાં આવ્યા હતા. ગઈ કાલે મોડી રાત્રે તેનો મૃતદેહ સિંગાપોરથી દિલ્હીમાં લાવવામાં આવ્યો હતો. મૃતદેહ સ્વીકારવા માટે તથા યુવતીના પરિવારજનોને આશ્વાસન આપવા માટે વડા પ્રધાન મનમોહન સિંહ તથા કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી પણ ઍરર્પોટ પહોંચ્યાં હતાં. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં ભારે સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે સવારે સાડાસાત વાગ્યે યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો

અગાઉ અંતિમક્રિયા ઉત્તર પ્રદેશના બલિયામાં આવેલા યુવતીના વતનમાં કરવાનું નક્કી થયું હતું, પણ છેલ્લી ઘડીએ દિલ્હીમાં જ લોકોને જાણ થાય નહીં એ રીતે અંતિમક્રિયા કરવાનું નક્કી થયું હતું. મોડી રાત્રે પોલીસે દ્વારકા વિસ્તારમાં આવેલા સ્મશાનના સંચાલકોનો સંપર્ક કરીને અંતિમક્રિયાની તૈયારી કરવા જણાવ્યું હતું. લોકોને જાણ થાય નહીં એ માટે સૂર્યોદય પહેલાં જ અંતિમ ક્રિયા પૂરી કરી દેવાની પોલીસની ઇચ્છા હતી, પણ હિન્દુ પરંપરા મુજબ સૂર્યોદય પછી જ અંતિમ સંસ્કાર કરી શકાતા હોવાથી સાડાસાત વાગ્યે આ વિધિ પૂરી કરવામાં આવી હતી. આ પહેલાં યુવતીના મૃતદેહને દિલ્હીમાં આવેલા તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો જ્યાં અંતિમક્રિયા પહેલાની વિધિ પૂરી કરવામાં આવી હતી.

પિતા, ભાઈ હાજર રહ્યા

દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટેના આંદોલનનું પ્રતીક બની ગયેલી આ યુવતીના અંતિમ સંસ્કાર વખતે તેના પિતા, ભાઈ તથા અન્ય નજીકના સંબંધીઓ હતા. અંતિમક્રિયાના સ્થળનો આસપાસનો સમગ્ર વિસ્તાર લોકો તથા મિડિયા માટે બ્લૉક કરવામાં આવ્યો હતો તથા પોલીસ, રૅપિડ ઍક્શન ફોર્સ તથા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત, રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન આર.પી.એન. સિંહ અને દિલ્હી બીજેપીના પ્રમુખ વિજેન્દ્ર ગુપ્તા પણ હાજર હતા.