રેપ પીડિતા ફરી ગંભીર : તેને કંઈ થઈ જશે તો સરકારનું આવી બનશે

25 December, 2012 03:54 AM IST  | 

રેપ પીડિતા ફરી ગંભીર : તેને કંઈ થઈ જશે તો સરકારનું આવી બનશે



દિલ્હીમાં ૧૬ ડિસેમ્બરે ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતીની હાલત ગઈ કાલે વધારે ગંભીર બની હતી તો શનિવાર અને રવિવારે હિંસક આંદોલન બાદ ગઈ કાલે દિલ્હીમાં પોલીસે કિલ્લેબંધી કરી હતી અને ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિભવન સહિતના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. ગઈ કાલે આંદોલનકારીઓને આ સ્થળે આવતા રોકવામાં આવ્યા હતા તથા તેમને જંતરમંતર ખાતે મોકલવામાં આવ્યા હતા. કાલે સરકારે કહ્યું હતું કે ગૅન્ગ-રેપની ઘટનાની તપાસ અને મહિલાઓની સુરક્ષાનાં સૂચનો આપવા માટે રચાયેલું કમિશન એક મહિનામાં અહેવાલ સોંપશે એ પછી સંસદનું વિશેષ સત્ર યોજાઈ શકે છે. 

પોલીસ પર તવાઈ

દિલ્હી પોલીસે કાલે ગૅન્ગ-રેપના કેસમાં બેદરકારી દાખવવા બદલ બે અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (એસીપી)ને સસ્પેન્ડ કર્યા હતા એટલું જ નહીં, પોલીસે એક જ અઠવાડિયામાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવાની ખાતરી આપી હતી. આ કેસની તપાસ કરી રહેલા કમિશનને પણ એક મહિનામાં અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તેજીન્દર ખન્ના કાલે વિદેશપ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા હતા. તેમણે અધિકારીઓ સાથે કલાકો સુધી બેઠક કરીને મહિલાઓની સુરક્ષાને મુદ્દે લેવાયેલાં પગલાંની સમીક્ષા કરી હતી.

ઇન્ડિયા ગેટ લૉક થયો

કાલે પોલીસે રાજઘાટથી ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિભવન સુધીનો સમગ્ર વિસ્તાર લૉક કરી દીધો હતો અને કોઈને પણ પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા એટલું જ નહીં, અનેક મેટ્રો સ્ટેશનો પણ બંધ કરી દેવામાં આવતાં લોકોને ભારે હાલાકી થઈ હતી. ઇન્ડિયા ગેટ સહિતના વિસ્તારોમાં પ્રવેશવા નહીં દેવામાં આવતાં સંખ્યાબંધ આંદોલકારી યુવાનો કાલે જંતરમંતર ખાતે એકત્ર થયા હતા, જ્યાં તેમણે બળાત્કારીઓને ફાંસીની સજાની માગણી સાથે નારેબાજી કરીને દેખાવો કર્યા હતા. અગાઉ રવિવારે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ થતાં બન્ને પક્ષે ૧૫૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. 

મહિલાઓ માટે હેલ્પલાઇન


દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે કાલે રાજધાનીમાં મહિલાઓ માટે ૧૮૧ નંબર ધરાવતી ખાસ હેલ્પલાઇન શરૂ કરાવી હતી. મુશ્કેલીમાં ફસાયેલી કોઈ પણ મહિલા આ નંબર પર કૉલ કરીને મદદ માગી શકે છે. ટેલિકૉમ વિભાગના જણાવ્યા પ્રમાણે બે વર્ષમાં પહેલી વાર ત્રણ આંકડાનો નંબર ઇશ્યુ કરવામાં આવ્યો છે. દિલ્હીનાં મુખ્ય પ્રધાને ડિમાન્ડ કરી એના બે જ કલાકમાં હેલ્પલાઇન ફાળવી દેવામાં આવી હતી.

રાષ્ટ્રપતિએ યુવતીને બિરદાવી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કાલે ગૅન્ગ-રેપનો ભોગ બનેલી ૨૩ વર્ષની યુવતીની હિંમતને બિરદાવી હતી. તેમણે ક્રિસમસ નિમિત્તે યુવતી સાજી થાય એ માટે સાથે મળીને પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.

બીજેપીએ વડા પ્રધાનની ટીકા કરી

બીજેપીએ રવિવારે સાંજે અને ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહે દેશવાસીઓને કરેલા સંબોધન સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજેપીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે વડા પ્રધાનના નિવેદનને કારણે લોકોમાં આત્મવિશ્વાસ પેદા થતો નથી અને આ નિવેદન ઘણું મોડું આવ્યું છે. સરકાર લોકોનો મૂડ પારખવામાં નિષ્ફળ નીવડી છે. અગાઉ બીજેપીએ આ મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી હતી, જે નહીં સ્વીકારવામાં આવતાં પાર્ટીએ ઑલ પાર્ટી મીટિંગની ડિમાન્ડ કરી હતી.

યુવતીનાં મહત્વનાં અંગો કામ કરતાં બંધ થાય એવી શંકા

દિલ્હીમાં ૧૬ ડિસેમ્બરની રાત્રે બર્બર ગૅન્ગ-રેપ બાદ ચાલુ બસમાંથી બહાર ફેંકી દેવાયેલી ૨૩ વર્ષની યુવતીની હાલત કાલે વધારે ગંભીર થઈ હતી. તેને જ્યાં સારવાર આપવામાં આવી રહી છે એ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું કે યુવતીની હાલત ‘વેરી સિરિયસ, વેરી ક્રિટિકલ’ છે, પણ માનસિક રીતે તે સ્વસ્થ છે અને તેના શરીરનાં મહત્વનાં અંગો કામ કરી રહ્યાં છે, પણ ઇન્ફેક્શન ફેલાતાં હાલત વધારે ગંભીર થઈ છે. યુવતીને કાલે ૧૦૨થી ૧૦૪ ડિગ્રી તાવ હતો.

હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. બી. ડી. અથાનીએ કાલે કહ્યું હતું કે ‘રવિવારે રાત્રે તેના શરીરમાં થોડું લોહી વહી ગયું હતું. જોકે શરીરમાં બ્લડ ક્લૉટ્સ (લોહી જામી જવું)ની શક્યતા ઓછી કરવામાં સફળતા મળી છે, છતાં તેની હાલત હજી પણ ગંભીર છે.’

ડૉ. અથાનીએ કહ્યું હતું કે યુવતીને હજી પણ વેન્ટિલેટર પર રાખવામાં આવશે. ડૉક્ટરે એમ પણ કહ્યું હતું કે બ્લડ ઇન્ફેક્શનને કારણે શરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ શકે છે, જે સૌથી મોટી ચિંતાની વાત છે. ડૉક્ટરે એમ પણ કહ્યું હતું કે યુવતીને અત્યારે ૧૦૨થી ૧૦૪ ડિગ્રી તાવ છે અને તે હજી પણ જોખમમાંથી બહાર નથી આવી.