દિલ્હી ગૅન્ગ-રેપ : યુવતી હજીયે ગંભીર

26 December, 2012 03:14 AM IST  | 

દિલ્હી ગૅન્ગ-રેપ : યુવતી હજીયે ગંભીર



દિલ્હીમાં ૧૬ ડિસેમ્બરે પાશવી ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતીની તબિયતમાં સોમવારની સરખામણીએ થોડો સુધારો આવ્યો હતો, પણ ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે તે હજી પણ સિરિયસ છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. કાલે મૅજિસ્ટ્રેટ દ્વારા ફરી યુવતીનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ તરફ રવિવારે ગૅન્ગ-રેપના વિરોધમાં થયેલા હિંસક આંદોલનમાં ગંભીર રીતે ઘવાયેલા ૪૭ વર્ષના પોલીસ-કૉન્સ્ટેબલ સુભાષ તોમરનું કાલે મૃત્યુ થયું હતું. સંપૂર્ણ સન્માન સાથે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. આ તરફ કાલે પણ દિલ્હીના જંતર મંતર ખાતે કેટલાક યુવાનોએ ગૅન્ગ-રેપના વિરોધમાં દેખાવો ચાલુ રાખ્યા હતા. અગાઉના દિવસોની સરખામણીએ કાલે ઓછા લોકો હતા. 

યુવતી માટે દેશભરમાં પ્રાર્થના


ગૅન્ગ-રેપનો ભોગ બનેલી ૨૩ વર્ષની મેડિકલ સ્ટુડન્ટની તબિયત માટે દેશના અલગ-અલગ સ્થળે પ્રાર્થનાઓ યોજાઈ હતી. તેને જ્યાં સારવાર અપાઈ રહી છે એ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલના જનરલ સર્જન ડૉ. સુનીલ જૈને કહ્યું હતું કે શરીરમાં રક્તસ્ત્રાવમાં ઘટાડો થયો છે છતાં શરીર અને લોહીમાં ઇન્ફેક્શનને કારણે તે હજી ગંભીર છે. કાલે ડૉક્ટરોના પ્રયાસને કારણે યુવતીના લોહીમાં શ્વેતકણોની સંખ્યા ૫૬૦૦થી વધીને ૬૦૦૦ થઈ હતી. તબિયતમાં ઉતારચઢાવ છતાં યુવતી માનસિક રીતે અત્યંત મજબૂત છે. ડૉક્ટરોએ કહ્યું હતું કે ૧૦૨થી ૧૦૪ ડિગ્રી તાવ રહેતો હોવા છતાં કાલે તેણે માતા-પિતા સાથે વાત કરી હતી.

કેજરીવાલની પાર્ટી સામે કેસ

રવિવારે ઇન્ડિયા ગેટ પર ગૅન્ગ-રેપના વિરોધમાં થયેલા હિંસક આંદોલનમાં ઘવાયેલા પોલીસ-કૉન્સ્ટેબલ સુભાષ તોમરનું કાલે મૃત્યુ થયું હતું. ઘાયલ થયા બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેના મૃત્યુ બાદ કાલે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના સભ્ય સહિત કુલ આઠ લોકો સામે મર્ડરકેસ કરવામાં આવ્યો હતો. કાલે ધરપકડ બાદ તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ તરફ કેજરીવાલે કૉન્સ્ટેબલના મૃત્યુના કેસમાં ખોટી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

શીલા દીક્ષિત-દિલ્હી પોલીસ બાખડ્યાં

ગૅન્ગ-રેપ કેસને મુદ્દે દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત અને દિલ્હી પોલીસ બાખડી પડ્યાં છે. અગાઉ શીલા દીક્ષિતે યુવતીનું સ્ટેટમેન્ટ લેવાની કામગીરીમાં પોલીસ હસ્તક્ષેપ કરી રહી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. દીક્ષિતે દાવો કર્યો હતો કે સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ ઉષા ચતુર્વેદી યુવતીનું સ્ટેટમેન્ટ લેવા પહોંચ્યાં ત્યારે પોલીસે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સવાલો જ પૂછવાનો આગ્રહ રાખ્યો હતો. કાલે દિલ્હીના પોલીસ-કમિશનર નીરજકુમારે યુવતીનું નિવેદન લેવાની કામગીરીમાં પોલીસે કોઈ જ હસ્તક્ષેપ નહીં કર્યો હોવાનો દાવો કર્યો હતો. કુમારે કહ્યું હતું કે ખરેખર તો પોલીસે એવો આગ્રહ રાખ્યો હતો કે યુવતીની હાલત ખરાબ હોવાથી જેમ બને તેમ જલદી તેનું સ્ટેટમેન્ટ લેવું જોઈએ.

ગુજરાતમાં રેપનો ભોગ બનેલી અઢી વર્ષની બાળકીનું મોત થયું


વડોદરા નજીક હાલોલમાં સગા કાકા દ્વારા બળાત્કારનો ભોગ બનેલી માત્ર અઢી વર્ષની માસૂમ બાળકીનું કાલે મૃત્યુ થયું હતું. બાળકીના કાકાએ પાશવી કૃત્ય આચર્યા બાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને બચાવવા ભરપૂર પ્રયાસો થયા હતા, પણ આખરે તેણે જીવ ગુમાવ્યો હતો. ગઈ કાલે હાલોલ શહેરમાં મોટી સંખ્યામાં લોકો તે બાળકીની અંતિમયાત્રામાં જોડાયા હતા. બાળકીના પિતા મૂળ નેપાળના વતની છે, જ્યારે રેપ કરનાર તેના કાકા વીરપુરમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. તેની સામે બળાત્કાર અને હત્યાનો કેસ કરવામાં આવ્યો છે.