ચાલુ બસમાં યુવતી ચીસો પાડતી રહી,પણ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહીં

30 December, 2012 04:17 AM IST  | 

ચાલુ બસમાં યુવતી ચીસો પાડતી રહી,પણ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહીં



જે યુવતીના મોતે ભારતમાં મહિલાઓની સુરક્ષાને લઈને દેશવ્યાપી આંદોલન છેડી દીધું છે તેના પર થયેલા પાશવી ગૅન્ગ-રેપની દાસ્તાન કોઈને પણ હચમચાવી મૂકે એવી છે. આ ઘટના વખતે યુવતીની સાથે રહેલા યુવકે બાદમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ સમગ્ર ઘટના વર્ણવી હતી. તેણે આપેલા સ્ટેટમેન્ટ મુજબ રવિવારે ૧૬ ડિસેમ્બરની રાત્રે બન્ને દિલ્હીના સાકેત વિસ્તારમાં આવેલા સિલેક્ટ સિટી મૉલમાં મૂવી જોયા બાદ અત્યંત ખુશખુશાલ મૂડમાં બહાર આવ્યાં હતાં. યુવતી મહાવીર એન્ક્લેવ, ઉત્તમનગરમાં આવેલા ઘરે પાછી ફરવા માગતી હતી; પણ તેના ફ્રેન્ડે મુનિરકા સુધી સાથે આવવાનો આગ્રહ કર્યો એ પછી બન્ને રિક્ષામાં બેસીને રાત્રે નવ વાગ્યે મુનિરકા આવ્યાં.

૯.૧૫ વાગ્યે બસ આવી

આ સ્થળે આવેલા બસ-સ્ટૅન્ડ પર બન્ને વાતચીત કરી રહ્યાં હતાં એવામાં રાત્રે ૯.૧૫ વાગ્યે આઇઆઇટીની દિશામાંથી એક લક્ઝરી ચાર્ટર્ડ બસ આવીને ઊભી રહી. યુવતીને દ્વારકા તરફ જવાનું હતું અને બસમાંથી દ્વારકા, મહિપાલપુર, ધૌલકુઆં એવી બૂમ પડતાં બન્ને બસમાં સવાર થઈ ગયાં. બન્ને અંદર પ્રવેશ્યા એ સાથે જ બસ ચાલવા માંડી હતી. બસમાં આ યુવક-યુવતી ઉપરાંત છ પુરુષો હતા. બન્ને ૨૦ રૂપિયા ભાડું ચૂકવીને બસમાં વચ્ચેની સીટ પર બેસી ગયાં.

છોકરી સાથે શું કરી રહ્યો છે?

એ પછી ત્રણ યુવક બસની કૅબિનમાંથી યુવક-યુવતી પાસે આવ્યાં. આ ત્રણમાંથી એક જણે યુવતીના મિત્રને પૂછ્યું કે તું આટલી રાત્રે છોકરી સાથે શું કરી રહ્યો છે? આ સવાલથી નારાજ થયેલા યુવક અને ત્રણે પુરુષો વચ્ચે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ. એ પછી ગુસ્સે થયેલા યુવતીના દોસ્તે બેફામ બોલતા રામસિંહ નામના માણસને ધક્કો મારતાં તે નીચે પડી ગયો. એ પછી બધા સાથે મળીને યુવક અને યુવતીને મારવા લાગ્યા. એમાંથી બે-એક જણ યુવતીને ઢસડીને પાછલી સીટ પર લઈ ગયા અને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું.

૧૦ કિલોમીટર ચાલી હેવાનિયત

દોડતી બસમાં યુવતી જોરશોરથી ચીસો પાડતી રહી, પણ રસ્તા પર કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહીં. આ બધું ચાલુ બસમાં થતું રહ્યું. એક તરફ યુવતી પર પાશવી બળાત્કાર થતો રહ્યો અને બીજી તરફ આ જ પુરુષો યુવતીના મિત્રને લોખંડના સળિયાથી મારતા હતા. યુવતીએ દાંતથી બટકા ભરીને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ થઈ નહીં. બાદમાં હેવાનોએ યુવક અને યુવતીને સંપૂર્ણ નગ્ન કરી દીધાં. આ સમગ્ર ઘટનાક્રમ ૧૦ કિલોમીટર સુધી ચાલતો રહ્યો. રાત્રે અંદાજે ૧૦.૨૦ વાગ્યે મહિપાલપુર રોડ પર જ્યાં ઘણીબધી હોટેલો છે ત્યાંથી બસ પસાર થઈ રહી હતી ત્યારે બળાત્કારીઓએ યુવક અને યુવતીને નગ્ન અવસ્થામાં જ ચાલુ બસમાંથી બહાર ફેંકી દીધાં.

૨૦ મિનિટ થથરતાં રહ્યાં

કાતિલ ઠંડીમાં ઘાયલ અને તદ્દન નગ્ન અવસ્થામાં બન્ને લગભગ ૨૦ મિનિટ સુધી ત્યાં જ પડી રહ્યાં હતાં. એ પછી રસ્તા પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલકની નજર પડતાં તેણે પોલીસને જાણ કરી. યુવતી એ વખતે અર્ધબેભાન અવસ્થામાં હતી. બાદમાં હોટેલમાંથી ચાદર મગાવવામાં આવી અને બન્નેને ઓઢાડવામાં આવી. એ પછી તેમને સફદરજંગ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

બ્લૅક સન્ડેથી બ્લૅક સેટરડે સુધીના એ ૧૪ દિવસ

૧૬ ડિસેમ્બર : દિલ્હીના વસંતવિહાર વિસ્તારમાં ચાલુ બસમાં ગૅન્ગ-રેપ અને મારપીટ બાદ યુવતી અને તેના મિત્રને બસમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યાં. એ પછી તેમને સફદરજંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

૧૭ ડિસેમ્બર : પોલીસે સામૂહિક બળાત્કારનો કેસ દાખલ કર્યો.

૧૮ ડિસેમ્બર : ઘટનાની ખબર પડતાં વસંતવિહાર પોલીસ-સ્ટેશનની બહાર લોકોએ દેખાવો કર્યા. દિલ્હી હાઈ કોર્ટની મહિલા વકીલોએ આ ઘટનાની સ્વતંત્ર તપાસની માગણી કરી. યુવતીની હાલત ગંભીર થતાં બે ઑપરેશન કરવામાં આવ્યાં. પોલીસે ગૅન્ગ-રેપના મુખ્ય આરોપી રામસિંહની ધરપકડ કરી.

૧૯ ડિસેમ્બર : પોલીસે ગૅન્ગ-રેપના ત્રણ આરોપીઓ વિનય, પવન અને મુકેશની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટમાં વિનય અને પવને ગુનો કબૂલી લીધો. વિનયે પોતાના માટે ફાંસીની સજાની માગણી કરી. દિલ્હી હાઈ કોર્ટે પોલીસ પાસે રિપોર્ટ માગ્યો. દિલ્હીના જંતરમંતર સહિતની જગ્યાઓએ લોકોએ જોરદાર દેખાવો કર્યા.

૨૦ ડિસેમ્બર : તિહાર જેલમાં ગૅન્ગ-રેપના આરોપી મુકેશની ઓળખપરેડ કરવામાં આવી. યુવતીના મિત્રે તેને ઓળખી બતાવ્યો. જંતરમંતર સહિતનાં સ્થળોએ લોકોનું આંદોલન વધારે ઉગ્ર બન્યું.

૨૨ ડિસેમ્બર : યુવતીની હાલતમાં થોડો સુધારો થતાં સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટે તેનું નિવેદન લીધું. રાષ્ટ્રપતિભવનની બહાર મહિલાઓએ જોરદાર દેખાવો કર્યા. પોલીસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટિયરગૅસના શેલ ફાયર કર્યા. દેખાવકારોએ પોલીસ તથા અન્ય સરકારી વાહનોમાં તોડફોડ કરી. બન્ને પક્ષે ૭૦થી વધારે લોકો ઘાયલ થયા.

૨૩ ડિસેમ્બર : સાકેત કોર્ટમાં આરોપીઓને મારવા માટે સેંકડો લોકોની ભીડ ભેગી થઈ. પોલીસે ચોરીછૂપી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા પડ્યા. રવિવારે ઇન્ડિયા ગેટ પર પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણ દરમ્યાન પોલીસ-કૉન્સ્ટેબલ સુભાષ તોમર ઘાયલ થતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા.

૨૪ ડિસેમ્બર : પોલીસે અન્ય બે આરોપીઓ અક્ષય અને રાજુની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા. તિહાર જેલમાં કેદીઓએ આરોપી રામસિંહને ફટકાર્યો.

૨૫ ડિસેમ્બર : પોલીસે ઇન્ડિયા ગેટ પર દેખાવો કરવા જઈ રહેલી યુવતીઓની અટકાયત કરી અને ચાર કલાક પછી તેમને છોડવામાં આવી. ગંભીર રીતે ઘાયલ કૉન્સ્ટેબલ સુભાષ તોમરનું મૃત્યુ થયું. સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુવતીને ગંભીર હાર્ટ-અટૅક આવ્યો.

૨૬ ડિસેમ્બર : કૉન્સ્ટેબલ તોમરના મોતનો વિવાદ થયો. પોલીસે દાવો કર્યો કે આંદોલનકારીઓએ મારપીટ કરતાં તોમરનું મોત થયું, જ્યારે તેમને મદદ કરનાર આંદોલનકારીએ કહ્યું કે કૉન્સ્ટેબલ તોમર અચાનક જમીન પર ફસડાઈ પડ્યા હતા. મોડી સાંજે યુવતીને સ્પેશ્યલ ઍર ઍમ્બ્યુલન્સમાં સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી.

૨૭ ડિસેમ્બર : ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતીની હાલત વધારે ગંભીર થઈ. તપાસ દરમ્યાન યુવતીના મગજમાં ગંભીર ઈજાઓ થઈ હોવાની પણ જાણ થઈ.

૨૮ ડિસેમ્બર : સિંગાપોરની હૉસ્પિટલના ડૉક્ટરોએ લંડનના જાણીતા નિષ્ણાતને બોલાવ્યા. મોડી સાંજે યુવતીની હાલત વધારે ગંભીર થઈ. દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર કલમ ૧૪૪ લાગુ કરવાના પોલીસના નિર્ણય વિરુદ્ધ હાઈ કોર્ટમાં જાહેર હિતની યાચિકા કરવામાં આવી.

૨૯ ડિસેમ્બર : ભારતીય સમય પ્રમાણે રાત્રે ૨.૧૫ વાગ્યે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં યુવતીનું મૃત્યુ થયું. આ સમાચાર મળતાં જ દિલ્હીમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી.