દિલ્હીમાં જમાઈએ સસરાને સળગાવી દીધા

26 August, 2025 11:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રણવીર સિંહ ઑટોરિક્ષા ચલાવતા હતા. ૧૬ ઑગસ્ટે સવારે સંદીપ જ્વલનશીલ પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની બૉટલ અને લાઇટર લઈને તેમના ઘરે પહોંચ્યો હતો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

દિલ્હીના ગાઝીપુરમાં ૬૦ વર્ષના રણવીર સિંહને તેમના જમાઈ સંદીપે ૧૬ ઑગસ્ટે સળગાવી દીધા બાદ ઉપચાર દરમ્યાન તેમનું રવિવારે મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસમાં સંદીપની ધરપકડ કરી છે. રણવીર સિંહે પોલીસને અગાઉ જણાવ્યું હતું કે ‘હું મારી દીકરી નિશાને પતિથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જમાઈ દીકરીને ખૂબ માર મારતો હતો અને તેના પર શારીરિક હુમલો કરતો હતો. તે દારૂ પીતો હતો એટલે હું મારી દીકરીને મારા ઘરે લઈ આવ્યો હતો.’

રણવીર સિંહ ઑટોરિક્ષા ચલાવતા હતા. ૧૬ ઑગસ્ટે સવારે સંદીપ જ્વલનશીલ પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની બૉટલ અને લાઇટર લઈને તેમના ઘરે પહોંચ્યો હતો. તેણે રણવીર સિંહને કહ્યું હતું કે ‘તમે નિશાને મારી પાસે કેમ નથી મોકલતા? આજે હું તમને પાઠ ભણાવીશ.’

 આટલું કહ્યા બાદ સંદીપે તેમના શરીર પર પ્રવાહી રેડ્યું હતું અને તેમને સળગાવી દીધા હતા. તેમણે સફદરજંગ હૉસ્પિટલમાં રવિવારે છેલ્લા શ્વાસ લીધા હતા.

બ્રેકઅપ બાદ હતાશ યુવાને બહેનને વિડિયો-કૉલ કર્યો અને નદીમાં કૂદી ગયો

દિલ્હીમાં ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ હતાશ યુવાને આત્મહત્યા કરી લીધી હતી. ૨૧ વર્ષના રિતિક નામના બિહારના યુવાને બહેન સાથે ફોનમાં વિડિયો-કૉલમાં વાત કરતી વખતે જ યમુના નદીમાં કૂદકો મારી દીધો હતો. તેને શોધવા માટે બચાવ ટીમો કાર્યરત છે. પોલીસે જણાવ્યું હતું કે રિતિક તેની બહેન સુમન સાથે  વિડિયો-કૉલમાં વાતચીત કરતો હતો. તે દિલ્હીમાં નોકરીની શોધમાં થોડા મહિનાઓથી આવ્યો હતો અને બહેન સાથે જ રહેતો હતો. ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા પછી છેલ્લા બે-ત્રણ મહિનાથી રિતિક ડિપ્રેશનનો સામનો કરી રહ્યો હતો. ફોનમાં ભાઈ-બહેન વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલુ હતી ત્યારે રિતિકે રેલિંગ પરથી કૂદકો માર્યો હતો. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને પુલ પર એક મોટરસાઇકલ અને એક મોબાઇલ ફોન મળી આવ્યાં હતાં.

new delhi delhi news crime news murder case national news news