09 June, 2025 06:54 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજધાની દિલ્હીમાં સનસનીભર્યા સમાચાર (Delhi Crime) મળી રહ્યા છે. અહીં એક સગીર છોકરીનો મૃતદેહ મળ્યો છે. પોલીસની પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું કે બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો છે.
બાળકીના પિતાએ સૌ પ્રથમ મૃતદેહ જોયો હતો. ત્યારબાદ તે પોતાની દીકરીની બૉડીને લઈને જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી.
આ ઘટના (Delhi Crime) ઉત્તર પૂર્વ દિલ્હીના નહેરુ વિહાર વિસ્તારમાં બની છે. ગઇકાલે એટલે કે શનિવારે 9 વર્ષની બાળકીની ડેડબૉડી મળી આવી હતી. ડેડબૉડીને સુટકેસમાં ભરીને ત્યાં છોડવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર બાળકી શનિવારે રાત્રે તેના કોઈ પરિચિતને ત્યાં બરફ લેવા માટે ઘરેથી બહાર નીકળી હતી. પરંતુ કલાક થઈ ગયો હોવા છતાં તે ઘરે પરત ફરી નહોતી. ત્યારબાદ તેના પિતાએ શોધ શરૂ કરી હતી. ત્યારે ગલીમાં રમી રહેલા બાળકોએ તેનાં પિતાને કહ્યું હતું કે તેમની દીકરી 200 મીટર દૂર આવેલા કોઈ એક ફ્લેટ તરફ જોવા મળી છે. ત્યારબાદ તેના પિતા તે બિલ્ડિંગમાં પહોંચ્યા હતા અને પોતાની દીકરીની શોધખોળ આદરી હતી. ત્યારે બીજા માળના એપાર્ટમેન્ટમાં બહારથી તાળું મરાયેલું હતું. તે તાળું તોડવામાં આવ્યું અને અંદર જઈને જોયું ત્યારે તેમની દીકરીની નગ્ન અવસ્થામાં ડેડબૉડી એક સુટકેસમાં ભરીને મૂકવામાં આવી હતી.
આ ઘટના (Delhi Crime) વિષે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "ગઇકાલે રાત્રે 8:41 વાગ્યે દયાલપુર પોલીસ સ્ટેશન ખાતે પીસીઆર કોલ મળ્યો હતો. ત્યારબાદ એક ટીમને ગલી નં. 2 નહેરુ વિહારમાં મોકલવામાં આવી હતી. પિતા ઓલરેડી દીકરીને લઇ હોસ્પિટલ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ બાળકીના ચહેરા પર ઈજાના નિશાન જોયા હતા અને સંભવિત જાતીય હુમલાનો સંકેત આપ્યો હતો. અત્યારે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પીઓસીએસઓ) એક્ટની કલમ 6 હેઠળ કેસ નોંધ્યો છે. પુરાવા એકત્ર કરવા અને આરોપીઓને શોધવા માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે."
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી નૌશાદ એ જ ફ્લેટમાં રહે છે. જ્યાં સુટકેસમાં બાળકીની ડેડબૉડી (Delhi Crime) મળી આવી છે. આરોપી બિરયાની વિક્રેતા છે. હાલમાં પોલીસે આરોપીઓને શોધવા માટે છ ટીમો બનાવી છે. દિલ્હી ઉપરાંત આ ટીમો યુપીના હાપુડ, ગાઝિયાબાદ અને આસપાસના વિસ્તારોમાં પણ દરોડા પાડી રહી છે. આ સાથે જ ક્રાઇમ અને FSLની ટીમ સ્થળની તપાસ કરી રહી છે. આરોપીની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ કેસ સંબધિત પુરાવાઓ એકત્રિત કરવા અને આરોપીઓની ધરપકડ કરવા માટે અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે.