ભારતમાં પહેલી વાર થયું પાંચ મહિનાના ગર્ભનું દાન

10 September, 2025 10:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના દંપતીએ કરેલા આ ગર્ભદાનથી મેડિકલ સંશોધનમાં ખૂબ મદદ થશે

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીના પિતમપુરાનાં આશિષ અને વંદના જૈને તેમના પાંચ મહિનાના ગર્ભનું દાન ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં કર્યું છે. નિયમિત તપાસ દરમ્યાન ગર્ભમાં હૃદયના ધબકારા બંધ થયા હોવાનું જાણ્યા પછી ડિલિવરીના પ્રયાસો નિષ્ફળ જતાં વંદનાની સર્જરી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ દંપતીએ ગર્ભનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. ચાર વર્ષના પુત્રનાં માતા-પિતા જૈન દંપતીએ જણાવ્યું હતું કે અમને લાગ્યું કે અમારા બાળકનું ટૂંકું જીવન પણ કોઈના માટે ફરક લાવી શકે છે એટલે અમે દધીચી દેહદાન સમિતિ દ્વારા ગર્ભના દેહદાનની પ્રક્રિયા હાથ ધરી હતી.

દધીચી દેહદાન સમિતિના ઉપપ્રમુખ સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘સમિતિના ૨૮ વર્ષના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે. અમે ૧૭૩૨ આંખનું દાન, ૫૫૦ આખા શરીરનું દાન અને ૪૨ ત્વચાનું દાન જોયું છે; પરંતુ ક્યારેય ગર્ભનું દાન જોયું નથી. પરિવારની હિંમત અસાધારણ હતી. અમે ફક્ત એક સેતુ તરીકે કાર્ય કરી શક્યા, વાસ્તવિક પ્રશંસા જૈન પરિવારને જાય છે. જૈન સમુદાયના ૧૦૦થી વધુ પરિવારોએ સમિતિ દ્વારા શરીર અને અંગદાનમાં યોગદાન આપ્યું છે ત્યારે આ ઉદાહરણ અલગ છે. આ સાબિત કરે છે કે અંધકારમય સમયમાં પણ પરિવાર માનવતા પસંદ કરી શકે છે.’

AIIMSના અધિકારીઓએ કહ્યું હતું કે ‘આવાં દાન સંશોધન અને તાલીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જે ડૉક્ટરોને માનવજીવન વિશે શીખવામાં અને તેમની સમજ વધારવામાં મદદ કરે છે. ગર્ભ તબીબી શિક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.’

new delhi delhi news medical information indian medical association childbirth organ donation Education national news news all india institute of medical sciences