રાજીવ ગાંધીનો ભારત રત્ન પાછો લેવાની માગણી

25 December, 2018 04:21 PM IST  | 

રાજીવ ગાંધીનો ભારત રત્ન પાછો લેવાની માગણી

રાજીવ ગાંધી

૧૯૮૪નાં સિખવિરોધી રમખાણોને ધ્યાનમાં રાખતાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને એનાયત કરવામાં આવેલો ભારત રત્નનો ઇલકાબ પાછો લેવાની માગણી કરતી દરખાસ્તને દિલ્હીની વિધાનસભાએ મંજૂરી આપી હતી. AAPના વિધાનસભ્ય જરનૈલ સિંહે રજૂ કરેલી દરખાસ્ત વૉઇસ વોટથી પસાર કરવામાં આવી હતી.

દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે ‘દિલ્હીની રાજ્ય સરકારે ગૃહમંત્રાલયને કડક શબ્દોમાં પત્ર લખીને જણાવવું જોઈએ કે રાષ્ટ્રીય રાજધાનીના ઇતિહાસમાં સૌથી વધારે ક્રૂર હત્યાકાંડના પીડિતો હજી ન્યાયથી વંચિત છે. રાજ્ય સરકારે ડોમેસ્ટિક વાયલન્સના કાયદામાં માનવતાવિરોધી કૃત્યો અને હત્યાકાંડોનો સમાવેશ કરવા માટે મહત્વપૂર્ણ અને જરૂરી પગલાં લેવાં જોઈએ.’

દિલ્હી હાઈ કોર્ટે સિખવિરોધી રમખાણોના કેસમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમાર તથા અન્યોને આજીવન કેદનો ચુકાદો આપ્યો હતો. ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી સિખવિરોધી રમખાણોના બચાવમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે કોઈ વિશાળ વટવૃક્ષ તૂટે ત્યારે સ્વાભાવિક રીતે જ આસપાસની જમીન ધ્રૂજે છે. ઇન્દિરાજીની હત્યા પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા. તેમને ૧૯૯૧માં ભારત રત્નનો ઇલકાબ ભારત સરકારે એનાયત કર્યો હતો.

અગાઉ હરિયાણાના આરોગ્યપ્રધાન અનિલ વિજે ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણો માટે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમારને આજીવન કેદની સજાના ચુકાદાને બિરદાવતાં રાજીવ ગાંધીને મરણોત્તર સજાની માગણી કરી હતી. વિજે એ રમખાણો માટે મરણોત્તર સજારૂપે રાજીવ ગાંધીને આપવામાં આવેલાં સન્માનો, ઇનામો, પારિતોષિકો અને ઇલકાબો પાછાં લેવા અને જે યોજનાઓ, સ્ટેશનો, માર્ગો, વસાહતોને તેમનું નામ આપવામાં આવ્યું હોય એ બધાનાં નામો બદલવાની માગણી કરી હતી.

કૉન્ગ્રેસનો રોષ : ખરેખર BJPની B ટીમ

દિલ્હી વિધાનસભાએ પસાર કરેલી દરખાસ્ત બદલ કૉન્ગ્રેસે AAP સરકારની ટીકા કરી હતી. કૉન્ગ્રેસના નેતા અજય માકને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘રાજીવ ગાંધીએ દેશ માટે જીવન કુરબાન કર્યું હતું. તેમના માટે આવી માગણી કરવી ગેરવાજબી છે. ખ્ખ્ભ્નો અસલ ચહેરો આ દરખાસ્ત દ્વારા પ્રકાશમાં આવ્યો છે. હું માનતો હતો કે AAP હકીકતમાં BJPની B ટીમ છે. BJPને મદદ કરવા માટે જ AAPએ ગોવા, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ઉમેદવારો ઉતાર્યા હતા.’

rajiv gandhi bharat ratna national news delhi high court