07 August, 2025 10:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી વિધાનસભાને પેપરલેસ બનાવવાના ભાગરૂપે દિલ્હીના તમામ ૭૦ વિધાનસભ્યોને સોમવારે સત્તાવાર ઉપયોગ માટે આઇફોન 16-પ્રો આપવામાં આવ્યા હતા. નવા સ્માર્ટફોન ઉપરાંત મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને અન્ય પ્રધાનો સહિત તમામ વિધાનસભ્યોને નવાં ટૅબ્લેટ અને આઇપૅડ પણ પૂરાં પાડવામાં આવ્યાં હતાં. પેપરલેસ વિધાનસભાની કામગીરી તરફ એક મહત્ત્વપૂર્ણ પરિવર્તનરૂપે ‘નૅશનલ ઈ-વિધાન ઍપ્લિકેશન’ (NeVA) લૉન્ચ કરવામાં આવી રહી છે. કેન્દ્રની ‘વન નેશન, વન ઍપ્લિકેશન’ પહેલ હેઠળ વિકસાવવામાં આવેલા NeVA પ્લૅટફૉર્મને આ ચોમાસુસત્રથી સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવ્યું હતું. ગયા મહિને વિધાનસભ્યોએ ડિજિટલ ઇન્ટરફેસથી પરિચિત થવા માટે તાલીમ લીધી હતી. ગયા રવિવારે ૫૦૦ કિલોવૉટના રૂફટૉપ સોલર પાવર પ્લાન્ટના કમિશનિંગ બાદ દિલ્હી વિધાનસભા દેશની પ્રથમ સંપૂર્ણપણે સૌરઊર્જા દ્વારા સંચાલિત વિધાનસભા બની છે.