બે વાર ચૂંટણીમાં ઊભી રહેનારી મહિલા ઉમેદવાર આ વર્ષે થઈ ગઈ પુરુષ

26 October, 2018 05:55 AM IST  | 

બે વાર ચૂંટણીમાં ઊભી રહેનારી મહિલા ઉમેદવાર આ વર્ષે થઈ ગઈ પુરુષ


ઉત્તરાખંડના રાજકારણમાં પ્રવેશવા માગતી આમ આદમી પાર્ટીએ આ વખતે કિન્નર રજની રાવતને દેહરાદૂનના મેયરપદની ટિકિટ આપી છે. રજની રાવત પહેલાં બે વાર દેહરાદૂનના મેયરની ચૂંટણી લડી ચૂકી છે, પરંતુ બે વાર મહિલા તરીકે ઉમેદવારી નોંધાવનારાં રજની રાવતને હવે પુરુષ તરીકે ઉમેદવારી નોંધાવવી પડી છે. ઉત્તરાખંડની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ૨૦૦૮ અને ૨૦૧૩માં થયેલી ચૂંટણીમાં પણ મેયરના પદ માટે કિન્નર રજની રાવતે ઉમેદવારી નોંધાવી હતી. બન્ને વખતે તેમણે મહિલા તરીકે ચૂંટણી લડી હતી. જોકે આ વખતે તેમના આવેદનપત્રમાં તેમણે પુરુષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. રજની રાવત પણ એનાથી પરેશાન છે. તેમનું કહેવું છે કે બધા જ દસ્તાવેજોમાં તેમની જાતિ સ્ત્રી તરીકે જ નોંધાઈ છે. તેઓ મહિલાઓના વેશમાં જ રહે છે અને સમાજ પણ તેમને આ જ સ્વરૂપે સ્વીકારે છે.


આ પણ વાંચોઃ દોલતનો દેખાડો કરવાનો નવો ટ્રેન્ડ છવાયો સોશ્યલ મીડિયામાં


એમ છતાં ચૂંટણી-અધિકારીના કહેવા પર તેમણે ઉમેદવારીમાં પોતાની જાતિ પુરુષ સિલેક્ટ કરવી પડી છે. રાજ્યમાં મતદાન માટે કિન્નરોને થર્ડ જેન્ડરનું આઇ-કાર્ડ આપવામાં આવે છે, પરંતુ ઉમેદવારના આવેદનમાં માત્ર મહિલા કે પુરુષ બે જ કૉલમ છે અને ચૂંટણી-અધિકારીના આગ્રહ મુજબ આ વખતે રજની રાવતે પુરુષ બનીને ચૂંટણી લડવી પડશે.