01 October, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)માં એન્જિન નથી હોતું, એ મોટર પર જ ઑપરેટ થતું હોય છે એટલે એમાંથી અવાજ નથી આવતો એને કારણે રાહદારીઓને ઘણી વાર ખ્યાલ જ નથી આવતો કે EV નજીક આવી ગયું છે એટલે અકસ્માત થતો હોય છે. એથી કેન્દ્ર સરકારે આ રીતના અકસ્માત રોકવા દરેક EVમાં અવાજ કરે એવી ઍકૉસ્ટિક વ્હીકલ અલર્ટિંગ સિસ્ટમ (AVAS) બેસાડવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ ડિપાર્ટમેન્ટે આ માટે પ્રસ્તાવ મૂક્યો હતો જે સ્વીકારી લેવામાં આવ્યો છે. આજે પહેલી ઑક્ટોબરથી એ નિયમ અમલમાં મુકાયો છે. એથી હવે પછી જે પણ નવાં પૅસેન્જર અને ગુડ્સ EV બનશે એ દરેકને આ નિયમ લાગુ થશે. જે વાહનો હાલ મૅન્યુફૅક્ચરિંગ પ્રોસેસમાં હોય એવાં કાર, બસ, વૅન અને ટ્રકને પણ આ નિયમ લાગુ પડશે. હાલ ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર EV માટે એ ફરજિયાત નથી કરવામાં આવ્યું. જે EV ઑલરેડી રસ્તા પર દોડી રહ્યાં છે એમાં AVAS ૨૦૨૭ની પહેલી ઑક્ટોબર પહેલાં બેસાડવાની રહેશે.
EVમાં AVAS હોવી જરૂરી છે, કારણ કે પરંપરાગત વાહનોમાં એન્જિનનો અવાજ આવતો જ હોય છે જે સાંભળીને રાહદારી આઘોપાછો થઈ શકે છે, પણ EVમાં એન્જિન જ ન હોવાથી એવો કોઈ અવાજ આવતો નથી. એથી રાહદારીઓ, સાઇકલસવારો અને ટૂ-વ્હીલર ચલાવનારાઓ માટે એ મોટો ખતરો બની જાય છે. એથી જો એમાંથી અવાજ આવે તો લોકોને અને ટૂ-વ્હીલર ચલાવનારાઓને વાહન આવી રહ્યું હોવાની જાણ થાય અને તેઓ ખસી શકે એટલે અકસ્માત થવાની શક્યતા ઘટી શકે.
આ સિસ્ટમ જ્યારે ૨૦ કિલોમીટર પ્રતિ કલાક કે એનાથી ઓછી સ્પીડ પર વ્હીકલ હોય ત્યારે ઍક્ટિવ થશે અને અવાજ કરશે જેથી લોકોને વાહન આવી રહ્યું હોવાની જાણ થાય અને તેઓ ખસી શકે. એની સામે વાહનની સ્પીડ વધુ હોય ત્યારે ટાયરનો અને હવાનો અવાજ આવતો હોય છે, જે રાહદારીઓને અલર્ટ કરવા પૂરતો હોય છે. આમ જ્યારે ટાયર અને હવાનો અવાજ આવે ત્યારે આ સિસ્ટમ બંધ થઈ જશે.