24 December, 2025 07:13 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના જાલોર જિલ્લાની એક પંચાયતે ૧૫ ગામોમાં પુત્રવધૂઓ અને યુવાન મહિલાઓ પર સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. ૨૬ જાન્યુઆરીથી આ મહિલાઓ કૅમેરા ધરાવતો સ્માર્ટફોન નહીં વાપરી શકે, આ મહિલાઓને સંપર્કમાં રહેવા માટે ફક્ત મૂળભૂત કીપૅડ ધરાવતા ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
રવિવારે ગાઝીપુર ગામમાં યોજાયેલી ચૌધરી સમુદાયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સમુદાયના ૧૪ પટ્ટીઓ અથવા પેટાવિભાગોના પ્રમુખ સુજનારામ ચૌધરીની અધ્યક્ષતામાં આ સભા યોજાઈ હતી.
પંચાયતે નિર્ણય લીધો હતો કે પુત્રવધૂઓ અને યુવતીઓને ફક્ત ફોન કરવા માટે કીપૅડ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. જાહેર કાર્યક્રમો, લગ્ન, સામાજિક કાર્યક્રમો અથવા તો પાડોશીના ઘરે પણ મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્કૂલમાં જતી છોકરીઓ, જેમને શૈક્ષણિક હેતુ માટે મોબાઇલ ફોનની જરૂર હોય છે, તેમને ફક્ત ઘરે જ એનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમને કોઈ પણ સંજોગોમાં ઘરની બહાર ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
નિર્ણય બાબતે ઉઠાવવામાં આવેલા વાંધાના જવાબમાં ચૌધરીએ કહ્યું હતું કે ‘પંચાયતના સભ્યો અને સમુદાયના વડીલો વચ્ચે ચર્ચા કર્યા પછી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બાળકો ઘણી વાર ઘરની મહિલાઓના મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે જે તેમની આંખો પર નકારાત્મક અસર કરી શકે છે. કેટલીક મહિલાઓ બાળકોને વ્યસ્ત રાખવા માટે તેમના ફોન સોંપે છે, જેનાથી તેઓ ઘરકામમાં કોઈ વિક્ષેપ વિના કામ કરી શકે છે. પંચાયત માને છે કે ફોનના ઉપયોગને મર્યાદિત કરવાથી આ ચિંતા દૂર થશે. આ પગલું સમુદાયમાં સામાજિક શિસ્તને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.’