કાતિલ ઠંડીને કારણે દલ સરોવર અને કાશ્મીરનાં બીજાં જળાશયો થીજી ગયાં

28 December, 2014 05:29 AM IST  | 

કાતિલ ઠંડીને કારણે દલ સરોવર અને કાશ્મીરનાં બીજાં જળાશયો થીજી ગયાં


શ્રીનગરનું વિખ્યાત દલ સરોવર અને કાશ્મીરનાં અન્ય જળાશયોમાંનું પાણી કાતિલ ઠંડીને કારણે થીજી ગયું છે. શુક્રવારે રાતે ઠંડીનો પારો માઇનસ ૫.૬ ડિગ્રી સેલ્સિયસના સ્તરે નીચે ઊતરી જતાં શ્રીનગરે આ શિયાળાની સૌથી વધુ ઠંડી રાતનો અનુભવ કર્યો હતો. દલ લેકમાં રહેતા લોકો પોતાના શિકારાને સરોવરના કાંઠા સુધી પહોંચાડવા માટે અનેક ઠેકાણે જામેલો બરફ તોડતા નજરે પડ્યા હતા.  

કાતિલ ઠંડીએ શ્રીનગરના રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો કર્યો હતો, પણ અહીં આવેલા પ્રવાસીઓને આવા હવામાનના સાક્ષી બનવાથી રાજી હતા. જમ્મુમાં માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરીને પોતાનાં પત્ની સાથે શ્રીનગર આવેલા મુંબઈના ગુજરાતી બિઝનેસમૅન મધુભાઈએ જણાવ્યું હતું કે થીજી ગયેલું દલ સરોવર નિહાળીને અમે બહુ રાજી થયાં છીએ.

કાતિલ ઠંડીને લીધે અન્ય જળાશયો અને નળમાંથી આવતું પીવાનું પાણી પણ થીજી ગયું હતું. રસ્તા પર વહેલી સવારે જામેલા ધુમ્મસને કારણે મોટરિસ્ટોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી.

રાજ્યમાં ઠંડીનો પારો સૌથી વધુ લેહમાં નીચે ગયો હતો. લેહમાં માઇનસ ૧૬.૪ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું; જ્યારે કારગિલમાં એ પ્રમાણ માઇનસ ૧૪.૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસો સુધી હવામાન ઠંડું અને સૂકું રહેશે.

સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : બિહારમાં ટ્રેન નીચે પાંચ રેલવે-કર્મચારીઓ કચડાયા

સમગ્ર ઉત્તર ભારતમાં ગઈ કાલે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને તેને કારણે કમસે કમ ૭૦ ટ્રેનો વિલંબથી ચાલી રહી હતી. રોડ-ટ્રાફિકને પણ માઠી અસર થઈ હતી. આકરી શીતલહેરમાંથી ગઈ કાલે પણ રાહત મળી નહોતી.

બિહારના રોહતાસ જિલ્લામાં મુગલસરાઈ ડિવિઝન હેઠળના કમ્હાઉ રેલવે-સ્ટેશન પાસે પૂરપાટ વેગે આવતી એક ટ્રેન ફરી વળતાં મેઇન્ટેનન્સનું કામ કરી રહેલા રેલવેના પાંચ કર્મચારીઓનાં મોત થયાં હતાં. અજમેર-સિયાલદાહ ટ્રેન પૂરપાટ આવી રહી હતી, પણ ભારે ધુમ્મસ છવાયેલું હોવાને કારણે મેઇન્ટેનન્સ સ્ટાફ ટ્રેનને નિહાળી શક્યો નહોતો અને ટ્રેન તેમના પર ફરી વળી હતી.

શીત લહેર અને ગાઢ ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશમાં ગઈ કાલે પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બારાબંકી જિલ્લામાં ઠંડીને કારણે પાંચ લોકોનાં મોત થયાં હતાં.

દિલ્હીમાં ગઈ કાલે સીઝનનો બીજો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો અને ઉષ્ણતામાનનો પારો ૪.૮ ડિગ્રી સેલ્સિયસ એટલે કે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી નીચો ઊતરી ગયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસનો પ્રભાવ જોવા મળ્યો હતો. એના કારણે ઉત્તર તરફ જતી ૫૦ ટ્રેનોને અસર થઈ હતી.

પંજાબ તથા હરિયાણાના લોકોને ઠંડીમાંથી કોઈ રાહત મળી નહોતી. અહીં પણ ગાઢ ધુમ્મસનો પ્રભાવ જોવા મળ્યો હતો. એને કારણે અનેક ટ્રેનો તથા ફ્લાઇટ્સનું શેડ્યુલ ખોરવાઇ ગયું હતું. નવી દિલ્હીથી આવતી શતાબ્દી એક્સપ્રેસ સહિતની ટ્રેનો ડીલે થઈ હતી. મુંબઈ તથા બૅન્ગલોરથી આવતી ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.

રાજસ્થાનમાં જોરદાર ઠંડીનો પ્રભાવ ચાલુ રહ્યો હતો. અહીં નૉર્થ વેસ્ટર્ન રેલવેની ૧૮ ટ્રેનો લેટ ચાલતી હતી અને ચાર ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી હતી. ચુરુમાં ૦.૬ ડિગ્રી અને માઉન્ટ આબુમાં બે ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું.