મારી જમીન પર આવીને કંગના કરે કામ, 500 રૂપિયા આપીશ: દાદી મોહિન્દર કૌર

05 December, 2020 08:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મારી જમીન પર આવીને કંગના કરે કામ, 500 રૂપિયા આપીશ: દાદી મોહિન્દર કૌર

ફાઈલ ફોટો

કૃષિ કાયદાને લઈને દિલ્હીમાં ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. બીજી બાજુ સોશિયલ મીડિયા દ્વારા કેટલાક લોકો સતત આંદોલન પર નિશાનો સાધી રહ્યા છે. તેમાં એક નામ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનોટ પણ છે.

હાલમાં જ તેણે એક ટ્વીટમાં શાહીન બાગની દાદી બિલકિસ બાનોને લઈને ટ્વીટ કર્યું હતું. જોકે તેમાં કંગનાએ જે ફોટાનો ઉપયોગ કર્યો હતો, એ શાહીનબાગની દાદી બિલકિસ બાનો નહોતા, એ ખેડૂત પ્રદર્શનનો ચહેરો બની ચૂકેલા દાદી મોહિન્દર કૌર હતા. કંગનાએ પછી એ ટ્વીટ હટાવી દીધું હતું, પરંતુ હવે મોહિન્દર કૌરે એક્ટ્રેસ કંગનાને જવાબ આપ્યો છે.

અભિનેત્રી કંગનાએ પોતાની વિવાદિત ટ્વીટમાં દાદી મોહિન્દર કૌરને બિલકિસ બનો બતાવતા કહ્યું હતું કે, ' આ એજ દાદી છે જેને TIME મેગેઝિને મોસ્ટ પાવરફૂલ ઇન્ડિયન તરીકે પોતાની લિસ્ટમાં સામેલ કરી હતી અને એ 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.

જનસત્તા.કોમમાં આવેલા અહેવાલ મુજબ, દાદી મોહિન્દર કૌરે કંગના પર નિશાનો સાધતા કહ્યું કે, 'તે (કંગના) અહીં આવે અને ખેતરોમાં પાણી વાળી દે, જેમ અમે વાળીએ છીએ. તેને ખબર પડશે કે અમે કઈ રીતે વાળીએ છીએ. તેને ખબર પડશે કે ખેડૂત પાણી કઈ રીતે વાળે છે. માટી કઈ રીતે નાખે છે. કંગના મારી સાથે આવે, મારી સાથે ખેતીના ઓજાર પકડે. તો તેને ખબર પડશે કે ખેડૂતનું કામ કેટલું મુશ્કેલ છે.

દાદીએ ઉમેર્યું કે, 'જો કંગના ખેતી કામ કરવા ઇચ્છતી હોય તો હું તેને 400 રૂપિયા આપવા તૈયાર છું. જો તે મારી ગાય-ભેંસોનું દૂધ કાઢવા, તેમણે ખવડાવ્યા બાદ સફાઈનું કામ કરે છે તો હું તેને 500 રૂપિયા આપવા માટે તૈયાર છું. હું જો 100 રૂપિયા માટે પ્રદર્શન કરવા જઈશ, તો ઘણી વધારે નુકસાની ઉઠાવીશ.

ખેડૂત આંદોલનવાળી દાદી મહિન્દર કૌર બહાડગઢ જંડિયા (બંઠીડા પંજાબ)ની રહેવાસી છે. છેલ્લા 9 વર્ષથી ભારતીય ખેડૂત યુનિયનમાં જોડાયેલી છે. કંગનાના નિવેદન બાદ દાદીએ કહ્યું હતું કે તે (કંગના) મુંબઈથી છે અને હું અહીંથી. તે મને નથી મળી અને હું તેને નથી મળી. તેની પાસે શું પુરાવા છે કે મેં પ્રદર્શન માટે 100 રૂપિયા લીધા છે?


kangana ranaut national news