અયોધ્યા કેસમાં આજે ડી-ડે

09 November, 2019 07:33 AM IST  |  New Delhi

અયોધ્યા કેસમાં આજે ડી-ડે

સુપ્રીમ કોર્ટ

રાજકીય અને સાંપ્રદાયિક દૃષ્ટિએ નાજુક ગણાતા ૧૦૬ વર્ષ જૂના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના કાનૂની ખટલાનો ચુકાદો આજે સવારે ૧૦.૩૦ વાગ્યે સર્વોચ્ચ અદાલત આપશે. દેશના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બંધારણીય ખંડપીઠ ચુકાદો આપવાની હોવાની નોટિસ ગઈ કાલે સાંજે સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. ખંડપીઠના અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ એસ. એ. બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ અબ્દુલ નાઝીર છે.
ખંડપીઠે ૪૦ દિવસની વણથંભી સુનાવણી બાદ ૧૬ ઑક્ટોબરે અયોધ્યાવિવાદનો ચુકાદો અનામત રાખ્યો હતો. નોટિસ અપલોડ કરવાના થોડા કલાક પહેલાં બપોર પહેલાં વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ તેમની ચેમ્બરમાં ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારી અને પોલીસ મહાનિયામક ઓમપ્રકાશ સિંહ સાથે મંત્રણા કરી હતી. બન્ને અમલદારોએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની સુરક્ષાની જોગવાઈઓની માહિતી વડા ન્યાયમૂર્તિને આપી હતી.
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં અલાહાબાદ વડી અદાલતે ૨૦૧૦માં આપેલા ચુકાદાને પડકારતી ૧૪ અપીલો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. અલાહાબાદ વડી અદાલતે ચાર સિવિલ સૂટ્સના અનુસંધાનમાં ૨૦૧૦માં આપેલા ચુકાદામાં અયોધ્યાની રામજન્મભૂમિની મનાતી ૨.૭૭ એકર જમીન ત્રણ પક્ષો - સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ નીચલી અદાલતમાં પાંચ લૉ સૂટ્સ ફાઇલ કરવામાં આવ્યા હતા. એમાં એક અરજી ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદે વિવાદાસ્પદ સ્થળે હિન્દુઓને પૂજા કરવાના અધિકારના ઉપયોગની છૂટ આપવાની માગણી સાથે કરી હતી. એ જ વર્ષમાં વિવાદાસ્પદ સ્થળે પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખતાં ગર્ભગૃહ (હવે તોડી પડાયેલા માળખા)માં રાખવાની છૂટ આપવાની માગણી કરતી અરજી પરમહંસ રામચંદ્રદાસે કરી હતી. એ અરજી પછીથી પાછી ખેંચવામાં આવી હતી. ૧૯૫૯માં નિર્મોહી અખાડાએ ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીન પર પૂજા-અર્ચનાના અને મૅનેજમેન્ટના અધિકાર માગતી અરજી નીચલી અદાલતમાં કરી હતી. ત્યાર પછી ૧૯૬૧માં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે વિવાદાસ્પદ જગ્યા પર માલિકી અધિકાર (ટાઇટલ રાઇટ)ની માગણી કરતી અરજી કરી હતી. ૧૯૮૯માં ‘રામલલા વિરાજમાન’ તરફથી ‘નિકટના મિત્ર’ અને અલાહાબાદ વડી અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દેવકીનંદન અગ્રવાલ તથા રામજન્મભૂમિએ વિવાદાસ્પદ જમીનની માલિકી (ટાઇટલ રાઇટ)ની માગણી સાથે અરજી (લૉ સૂટ) કરી હતી. તેમણે એ ભૂમિ ભગવાન રામના નામની હોવાની અને એ જ રૂપે એનું ‘કાનૂની અસ્તિત્વ’ હોવાની દલીલના આધારે એ અરજી કરી હતી. ત્યાર પછી ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે વિવાદાસ્પદ માળખું તોડી પડાતાં થયેલાં કોમી રમખાણોને પગલે એ બધી અરજીઓ ન્યાયદાન માટે અલાહાબાદ વડી અદાલતમાં મોકલવામાં આવી હતી. અલાહાબાદ વડી અદાલતે એ અરજીઓ પર ૨૦૧૦માં આપેલા ચુકાદા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓ બાબતે અદાલતની બહાર સમાધાનની મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળ જતાં એ અરજીઓની સુનાવણીની આખરી કાર્યવાહી આ વર્ષની છઠ્ઠી ઑગસ્ટે સર્વોચ્ચ અદાલતમાં રોજિંદા ધોરણે શરૂ કરવામાં આવી હતી. સુનાવણીમાં મધ્યસ્થી માટેની ત્રણ સભ્યોની સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. એ સમિતિમાં ન્યાયમૂર્તિ એફ.એમ.આઇ. કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઑફ લીવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી તથા મધ્યસ્થીકાર ઍડ્વોકેટ શ્રીરામ પાંચુનો સમાવેશ હતો. ચાર મહિનાની મધ્યસ્થીની પ્રક્રિયાના અંતે એ અહેવાલ આપવામાં આવ્યો હતો. મધ્યસ્થીની એ પ્રક્રિયાનું કોઈ પરિણામ ન આવતાં અદાલતે સુનાવણીમાં આગળ વધવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

ayodhya verdict ayodhya supreme court