પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાયું વાવાઝોડું બુલબુલઃ બેનાં મોત

11 November, 2019 12:32 PM IST  |  કોલકાતા

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાયું વાવાઝોડું બુલબુલઃ બેનાં મોત

બુલબુલે મચાવી તબાહી

બંગાળની ખાડીમાં આવેલું ચક્રવાતી તોફાન બુલબુલ શનિવારે રાતે પશ્ચિમ બંગાળના સાગર આઈલૅન્ડ, ઓડિશાના ભદ્રક અને બંગલા દેશના ખેપૂપાડા સાથે અથડાયું હતું. તોફાનની ઝડપ અંદાજે ૧૧૦થી ૧૨૦ કિમી. પ્રતિ કલાક રહી હતી. જોકે અથડાયા બાદ તોફાન નબળું પડી ગયું હતું.
તોફાનની અસરના કારણે બન્ને રાજ્યોના કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. બે જણનાં મોતના પણ સમાચાર સામે આવ્યા છે. તોફાનને ધ્યાનમાં રાખતા કલકત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ અૅરપોર્ટ પર શનિવારે સાંજે ૬ વાગ્યાથી ૧૨ કલાક માટે ફ્લાઈટ્‌સ પર રોક લગાવી દીધી છે. રાજ્યમાં એનડીઆરએફની ૩૫ ટીમ તહેનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા સાથે અથડાવાથી તોફાનની ગતિ ૧૨૦થી ૧૩૫ કિમી. પ્રતિ કલાક હતી. જોકે પશ્ચિમ બંગાળથી પસાર થવાની સાથે તોફાન નબળું પડ્યું હતું. જેને ‘અતિગંભીર’થી ‘ગંભીર’ શ્રેણીમાં કરી દેવાયું છે. તોફાનનું કેન્દ્ર મોડી રાતે પારાદ્વીપથી ૯૫ કિમી. પૂર્વ-ઉત્તરાપૂર્વમાં બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં હતું. ભદ્રક જિલ્લામાં ડીહાદ્વીપ પાસે બોટ ડૂબવાના કારણે સમુદ્રમાં ફસાયેલા ૮ માછીમારોને રેપિડ અૅક્શન ફોર્સે અન્ય માછીમારોની મદદથી બચાવ્યા છે.

વડા પ્રધાને મમતા બૅનરજી સાથે વાત કરી
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ‘બુલબુલ’ વિશે મારી મમતા બૅનરજી સાથે વાત થઈ છે. કેન્દ્ર અને પ્રદેશ સરકારને દરેક સંભવ મદદ કરશે. હું દરેક લોકોની સુરક્ષાની કામના કરું છું.

બંગલા દેશમાં પાંચ હજાર હંગામી ધોરણે શેલ્ટર હોમ ઊભાં કરાયાં: ૨૧ લાખ લોકોનાં સ્થળાંતર
સત્તાધીશોએ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ૨૧ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. બંગલા દેશના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ મંત્રી એનામુર રહેમાને જણાવ્યું હતું કે ૨૧ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. પાંચ હજારથી વધુ હંગામી આશ્રયસ્થળો ઊભાં કરવામાં આવ્યાં હતાં.
જોકે હાલમાં બુલબુલ શક્તિશાળી ચક્રવાતમાંથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જતાં તંત્રએ હાશકારો લીધો છે.
બંગલા દેશ સત્તાધીશોએ અગાઉ દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસવાની ચેતવણી આપી હતી. આ ઉપરાંત માછીમારોને બંગાળની ખાડીમાં નહીં જવા આદેશ આપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બંગલા દેશમાં એક મકાન પર ઝાડ પડવાથી ૬૫ વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું જ્યારે ખુલનામાં ચક્રવાતે વેરેલા વિનાશમાં કેટલાંય ઘર તબાહ થઈ ગયાં હતાં. આ ઉપરાંત ખેતરમાં રહેલા ઊભા પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. તંત્રના મતે શક્તિશાળી ચક્રવાત નબળું પડી જતાં અંદાજ કરતાં ઓછું નુકસાન થયું છે.

bangladesh west bengal