સુપર સાઇક્લૉન ઍમ્ફાન ઓડિશાની નજીક પહોચ્યું, પવનની ઝડપ 102 km/hrની

20 May, 2020 11:17 AM IST  |  Odisha | Gujarati Mid-day Online Correspondent

સુપર સાઇક્લૉન ઍમ્ફાન ઓડિશાની નજીક પહોચ્યું, પવનની ઝડપ 102 km/hrની

મોટા તોફાનનું ટ્રેલર : પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠે આજે ઍમ્ફાન વાવાઝોડું ત્રાટકવાનું છે એ પહેલાં ગઈ કાલે જ પુરીમાં દરિયો તોફાની બન્યો હતો. આવા દરિયામાં પોતાની નૌકાને સલામત રાખવા મથી રહેલો માછીમાર. (તસવીર: પી.ટી.આઈ.)

ચક્રવાતી વાવાઝોડું ઍમ્ફાન આજે બપોર સુધીમાં પશ્ચિમ પહોંચવાની શક્યતા છે. રાહતની વાત એ છે કે ઓડિશામાં જોરદાર વરસાદ અને પવન ફુંકાવાના કારણે ચક્રવાતી વાવાઝોડું (Cyclone) પહેલાથી ઘણું નબળું પડી ગયું છે. ઓડિશાના પારાદીપમાં સવારથી જ ઝડપી પવનો ફુંકાઈ રહ્યા છે. સુપર સાઇક્લોન હવે ઍમ્ફાન ઓડિશાના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. પારાદીપમાં 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. સુપર સાઇક્લોનમાં ઝડપી પવન ફુંકાવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.

180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહેલા મહાચક્રવાતી વાવાઝોડા ઍમ્ફાનને જોતાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના જોખમવાળા વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બપોરે કે પછી સાંજ સુધીમાં સુપર સાઇક્લોન ઍમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. હાલ ઍમ્ફાન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાની પાર્શ્વભૂમિ પર સાવચેતીના પગલે મંગળવારે મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી કે, પશ્ચિમ બંગાળ અને ઓડિશા માટેની ત્રણ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો 21 મે સુધી રદ કરવામાં આવી છે. તદઉપરાંત બુધવારે રવાના થનારી હાવડા - નવી દિલ્હી એસી સ્પેશ્યલ એક્સપ્રેસ અને 21 મે ના રોજ રવાના થનારી નવી દિલ્હી - હાવડા એસી સ્પેશ્યલ એક્સપ્રેસ રદ કરવામં આવી છે.

વાવઝોડું ઍમ્ફાન આજે એકદમ જ ઉગ્ર બનશે અને એ લૅન્ડફૉલ કરશે ત્યારે સાથે ભારે તારાજી લાવશે એમ જણાવતાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ)ના વડા એસ. એન. પ્રધાને ગઈ કાલે કહ્યું હતું કે ‘આથી જ કોઈ પણ તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ૪૧ ટીમ તહેનાત છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ એવી માહિતી આપી હતી કે, ઍમ્ફાનના ખતરાને ધ્યાનમાં રાખીને બંગાળમાંથી ઓછામાં ઓછા ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને બચાવ માટેનાં અન્ય અગમચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે.

હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને ચેતવણી આપી છે કે કોલકાતા, હુગલી, હાવડા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લામાં મોટાપાયે નુકસાન થઈ શકે છે. બંગાળની ખાડીમાં આગળ વધી રહેલું સુપર સાઇક્લૉન ઍમ્ફાન પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આ વાવાઝોડું પશ્ચિમ બંગાળના દીધા અને બંગલા દેશના હતિયા દ્વીપની વચ્ચે ૨૦ મેના રોજ બપોર બાદ ત્રાટકશે. આ સમયે આ વિસ્તારોમાં ૨૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમ જ અતિભારે વરસાદ પડી શકે છે.

national news west bengal odisha