કેન્દ્રે પશ્ચિમ બંગાળ માટે ૧૦૦૦ કરોડના પૅકેજનું એલાન કર્યું

23 May, 2020 12:33 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કેન્દ્રે પશ્ચિમ બંગાળ માટે ૧૦૦૦ કરોડના પૅકેજનું એલાન કર્યું

પશ્ચિમ બંગાળના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કરી રહેલા નરેન્દ્ર મોદી અને મમતા બૅળનરજી (તસવીર: એ.એફ.પી.)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમ્ફાન તોફાનને કારણે પશ્ચિમ બંગાળમાં ઘણું નુકસાન થયું છે. આ મુશ્કેલ સમયમાં સમગ્ર દેશ રાજ્યની જનતાની સાથે ઊભો છે. નરેન્દ્ર મોદીએ વાવાઝોડાને લીધે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક હવાઈ સર્વે કર્યો હતો. આ પછી સીએમ મમતા બૅનરજી, રાજ્યપાલ જગદીપ ધનકડ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પશ્ચિમ બંગાળના બસીરહાટમાં સમીક્ષા બેઠક મળી હતી. ૮૩ દિવસ પછી પીએમ મોદી દિલ્હીની બહાર નીકળ્યા છે. આ સમીક્ષા બેઠકમાં તેમણે કહ્યું કે મુશ્કેલ સમય છે પણ હું પશ્ચિમ બંગાળનાં ભાઈ-બહેનોને કહેવા માગું છું કે દરેક તમારી સાથે ઊભા છે. રાજ્યો અને કેન્દ્ર તેમના માટે મળીને કામ કરી રહ્યા છે જે તોફાનથી પ્રભાવિત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ માટે એક હજાર કરોડનાં રાહત પૅકેજની જાહેરાત કરી છે જે કેન્દ્ર દ્વારા રાજ્યને આપવામાં આવશે. આની ઘોષણા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે ‘હાલમાં તુરંત રાજ્ય સરકારને મુસીબત ન થાય તે માટે ૧ હજાર કરોડ ભારત સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવશે.’ આ સાથે જ જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમને વડા પ્રધાન રાહત ભંડોળ તરફથી ૨ લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકોને ૫૦,૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમ્ફાન વાવાઝોડાને કારણે રાજ્યમાં ૮૦ લોકોનાં મોત થયાં છે.

વડા પ્રધાનની ૧૦૦૦ કરોડની સહાય પર મમતા બૅનરજી ભડક્યાં

અમ્ફાન વાવાઝોડા મુદ્દે વડા પ્રધાને એક હજાર કરોડ રૂપિયા અંતર્ગત રાહત પૅકેજની જાહેરાત કરી. પીએમ નરેન્દ્ર મોદીની આ જાહેરાત પર મુખ્ય પ્રધાન મમતા બૅનરજી વિફરી પડ્યાં છે. તેમનું કહેવું છે કે નુકસાન એક લાખ કરોડનું થયું છે અને પૅકેજ ખાલી એક હજાર કરોડ રૂપિયાનું આપ્યું છે.

પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ એક હજાર કરોડનાં રાહત પૅકેજની જાહેરાત કરી છે, પરંતુ આનાથી જોડાયેલી કોઈ જાણકારી નથી આપી. આ પૈસા ક્યારે મળશે અથવા આ આગોતરી સહાય છે. અમ્ફાન તોફાનનાં કારણે એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ૫૬ હજાર કરોડ રૂપિયા તો અમારે કેન્દ્ર પાસેથી લેવાના છે.

national news west bengal kolkata narendra modi mamata banerjee