104 વાર આરોપી અને પીડિતાના પરિવાર વચ્ચે ફોન પર વાત થઈ હતી

07 October, 2020 10:56 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

104 વાર આરોપી અને પીડિતાના પરિવાર વચ્ચે ફોન પર વાત થઈ હતી

હાથરસ રૅપ કાંડ

હાથરસ કાંડની તપાસમાં નવો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે પીડિત પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા પરસ્પર સંપર્કમાં હતા. પીડિત પરિવાર અને સંદીપની વચ્ચે ફોન પર વાતચીતનો ક્રમ ગત વર્ષ ઑક્ટોમ્બરમાં શરૂ થયો. પીડિત પરિવાર અને આરોપીની વચ્ચે ૧૦૪ વાર ફોન પર વાતચીત થઈ. આવો અહેવાલ એક ટીવી ચેનલે આપ્યો છે. હાથરસ કાંડમાં આ ખુલાસો યુપી પોલીસની તપાસમાં થયો છે. પોલીસે આરોપી અને પીડિત પરિવારના કૉલ રેકોર્ડને ખંગાળ્યો તો સામે આવ્યું કે વાતચીતનો ક્રમ ગત વર્ષની ૧૩ ઑક્ટોબરથી શરૂ થયો. મોટાભાગના કૉલ ચંદપા વિસ્તારથી જ કરવામાં આવ્યા હતા, જે પીડિતાના ગામથી ફક્ત બે કિ.મી.ના અંતર પર છે. આમાંથી ૬૨ કૉલ પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા તો ૪૨ કૉલ આરોપી સંદીપ તરફથી કરવામાં આવ્યા હતા.

આ ઘટના ભયાનક : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે હાથરસની ઘટનાને ‘ભયાનક’ ગણાવતાં ઉત્તર પ્રદેશ સરકારને દલિત છોકરી પર ક્રૂરતાપૂર્વક ગુજારવામાં આવેલા બળાત્કાર અને ઈજાને કારણે તેનું મોત નીપજવાના કેસના સાક્ષીઓનું રક્ષણ કરવા માટે ભરવામાં આવેલાં પગલાં વિશે ૮ ઑક્ટોબર સુધીમાં જાણ કરવાનો આદેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે યોગી આદિત્યનાથ સરકારને આ વિશષ ઍફિડેવિટ દાખલ કરવાનો અને પીડિતાના પરિવારે વકીલની પસંદગી કરી છે કે નહીં એ જાણવાનો પણ આદેશ આપ્યો હતો.

કાવતરું : પીએફઆઇના ચારની ધરપકડ

મથુરાથી હાથરસ જતા કથિત કટ્ટરવાદી સંગઠન પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા સાથે સંકળાયેલા ચાર જણની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. નાગરિકત્વ સુધારા કાયદા સામેના દેશભરમાં ચાલતા વિરોધને ચાલુ રાખવા માટે આ સંગઠન નાણાં આપતું હોવાનો આ સંગઠન પર આરોપ છે. મુખ્ય પ્રધાન યોગીએ સોમવારે એવું કહ્યું હતું કે કેટલાક લોકો રાજ્યમાં કોમી અને જાતિવાદી તોફાનો કરાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

lucknow Crime News national news uttar pradesh