પશુઓ રાષ્ટ્રીય સંપત્તિ છે, એમના રક્ષણ માટે નીતિ બનાવો : કોર્ટ

12 October, 2014 05:25 AM IST  | 

પશુઓ રાષ્ટ્રીય સંપત્તિ છે, એમના રક્ષણ માટે નીતિ બનાવો : કોર્ટ



કેટલીક ગાયોને ગેરકાયદે કતલ માટે લઈ જઈ રહેલા પોલીસ-કર્મચારીઓ પર ગોળીબાર કરનાર મેવાતી ગૅન્ગના સાત ગુનેગારોને આજીવન કારાવાસની સજા ગઈ કાલે ફરમાવતાં દિલ્હીના ઍડિશનલ સેશન્સ જજે જણાવ્યું હતું કે પશુઓ રાષ્ટ્રીય સંપત્તિ છે તેથી કેન્દ્ર સરકારે એમના રક્ષણ માટે નીતિ બનાવવી જ જોઈએ.

ઍડિશનલ સેશન્સ જજ કામિની લૌએ તેમના ૫૩૮ પાનાંના ચુકાદામાં જણાવ્યું હતું કે બચાવવામાં આવેલાં પશુઓના રક્ષણ તથા એમની સંભાળ માટે કેન્દ્ર સરકારે એક રાષ્ટ્રીય નીતિનો મુસદ્દો ઘડવો જોઈએ.

ન્યાયમૂર્તિએ નોંધ્યું હતું કે ‘જે લોકો સામે પશુરક્ષણ સંબંધી ખાસ કાયદાઓના ઉલ્લંઘન બદલ કેસ નોંધવામાં આવ્યો હોય છે એવા જ લોકોને બચાવવામાં આવેલાં પશુઓ ફરી આપી દેવામાં આવે છે. બચાવવામાં આવેલાં પશુઓનું શું કરવું એ બાબતે કાયદામાં કોઈ સ્પષ્ટતા નથી અને એનો લાભ કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો બરાબર લે છે.’

પશુઓ રાષ્ટ્રીય સંપત્તિ છે તેથી એમનું કોઈ પણ કિંમતે રક્ષણ કરવું જોઈએ એમ જણાવીને ન્યાયમૂર્તિએ ભારપૂર્વક કહ્યું હતું કે ‘એ રાષ્ટ્રીય આરોગ્ય સાથે સંકળાયેલો મહત્વનો મુદ્દો છે એટલું જ નહીં, સમાજના એક વર્ગના લોકોની ધાર્મિક માન્યતાઓ તથા લાગણી સાથે ગાઢ રીતે સંકળાયેલી બાબત છે અને એનો આદર કરવો જ જોઈએ.’

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના છેવાડે આવેલા મેવાત ગામનાં પશુઓની ચોરી કરતા લોકોની ટોળકી અને પોલીસ-કર્મચારીઓ વચ્ચે ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં થયેલી અથડામણ સંબંધે કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. અનવર, શનવર, ખાલીદ, તસલીમ, હસરત, અંકુર અને આસિફ નામના આ મેવાતીઓ પશુઓને કતલ માટે લઈ જતા હતા ત્યારે પોલીસ-ટુકડીએ તેમને આંતર્યા હતા અને તેમણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો.