વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન પડતા 11 મજૂરનાં મોત

01 August, 2020 04:21 PM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Online Correspondent

વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન પડતા 11 મજૂરનાં મોત

તસવીર સૌજન્ય: ટ્વીટર

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટે (HSL)ના કેમ્પસમાં એક ક્રેન પડવાથી 11 મજૂરનાં મોત થતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના બપોરે બાર વાગ્યાની આસપાસ બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, લોડિંગ કરેલા કામની ચકાસણી કરતી વખતે ક્રેન નીચે પડી હતી. 11 લોકોના મોત થયા છે . જ્યારે ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હજી પણ અમુક લોકો ક્રેન નીચે દબાયા હોવાની શંકા છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ક્રેનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. ઓફિસર અને ક્રેનના ઓપરેટર્સ તેનું ઓપરેટિંગ જોવા ગયા હતા તે જ સમયે દુર્ઘટના થઈ હતી. માનવામાં આવે છે કે, મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. કેમકે ક્રેન નીચે અમુક લોકો દબાયા હોવાની શક્યતા છે. શિપયાર્ડના ઓફિસર અટેન્ડેન્સ રેકોર્ડ ચેક કરી રહ્યા છે જેથી ઘટના સમયે ત્યાં કેટલા લોકો હશે તેની માહિતી મળી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં ચાર શિપયાર્ડના કર્મચારી હતાં. જ્યારે અન્ય લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકો હતા.

HSL દેશનું સૌથી જૂનુ શિપયાર્ડ છે. તેની સ્થાપના 1941માં સિંધિયા સ્ટીમશિપ નેવિગેશન કંપની અંતર્ગત ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદે કરી હતી. 1961માં શિપયાર્ડનું રાષ્ટ્રીય કરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેનું નામ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ છે. 2010થી તેનું માલિકીપણું રક્ષામંત્રાલય પાસે છે. તે પહેલાં તે શિપિંગ મિનિસ્ટ્રી અંતર્ગત આવતું હતું. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિડેટ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠના શહેર ખાતે આવેલું છે. હિન્દુસ્તાન શિપયાર્ડમાં શીપ, શીપ રિપેરિંગ, ડિઝાઇનિંગ, સબમરીન મેકિંગ સહિતના કામ થાય છે.

national news andhra pradesh visakhapatnam