મમતા બેનરજી, તમારા પર રેપ થશે તો કેટલું વળતર મેળવશો?

29 December, 2012 06:17 AM IST  | 

મમતા બેનરજી, તમારા પર રેપ થશે તો કેટલું વળતર મેળવશો?



રાષ્ટ્રપતિના પુત્ર અને પશ્ચિમબંગના કૉન્ગ્રેસના નેતા અભિજિત મુખરજીની મહિલાઓ વિશેની અપમાનજનક કૉમેન્ટનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં પશ્ચિમબંગના જ અન્ય એક સિનિયર નેતાએ તમામ હદ વટાવતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને બળાત્કારનો ભોગ બનેલી સૌથી શ્રેષ્ઠ મહિલા ગણાવી વિવાદ સરજ્યો હતો. ડાબેરી પક્ષ સીપીએમના સિનિયર નેતા અનીસુર રહેમાને ઉત્તર દિનાજપુર નામના જિલ્લાના ઇટાહર ગામમાં એક રૅલીને સંબોધતાં કહ્યું હતું કે ‘મમતા બૅનરજીના શાસનમાં મહિલાઓ માટે શું થયું છે? તે દરરોજ રેપનો શિકાર બની રહી છે. મમતા બૅનરજી પોતાનું ઘર રેપ-પીડિતોથી સજાવી રહ્યાં છે. જ્યારે અમે સત્તા પર હતા ત્યારે તેઓ રેપ-પીડિતો માટે વળતર માગવા આવ્યાં હતાં. અમે કહ્યું હતું કે આ છોકરીઓનો સમાજે બહિષ્કાર કરેલો છે. કોઈ સારી છોકરીઓ લાવો, પણ મને લાગે છે કે તમારાં (મમતા બૅનરજી) કરતાં સારી કોઈ હોઈ શકે નહીં. જો રેપ-પીડિત મહિલાનું વળતર ૨૦ હજાર રૂપિયા હોય તો તમારું શું હોવું જોઈએ? કોઈ તમારી સાથે રેપ કરે તો કેટલું વળતર મેળવશો?’

રહેમાનના આ સ્ટેટમેન્ટ બાદ પશ્ચિમબંગના રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. એ પછી કાલે તેમણે રાજ્યની વિધાનસભામાં માફી માગી હતી. રહેમાને મિડિયા સમક્ષ બોલતાં કહ્યું હતું કે ‘છેલ્લાં ૨૧ વર્ષથી હું વિધાનસભ્ય છું. આ પહેલાં આવું હું ક્યારેય બોલ્યો નથી અને હવે બોલીશ પણ નહીં. હું રાજ્યના તમામ લોકોની માફી માગું છું.’

રહેમાનનાં બેજવાબદાર નિવેદનોથી સીપીએમના ટોચના નેતાઓ સખત નારાજ થયા હતા. તૃણમૂલ કૉન્ગ્રેસે વિધાનસભામાં રહેમાન વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. કૉન્ગ્રેસ અને બીજેપીએ પણ રહેમાનના નિવેદનની સખત ટીકા કરી હતી.

સીપીએમ = કમ્યુનિસ્ટ પાર્ટી (માક્ર્સવાદી)