સીરમ ઇન્સ્ટિટ્યૂટની સ્પષ્ટતા: ‘કૉવિશીલ્ડ’ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત

01 December, 2020 05:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સીરમ ઇન્સ્ટિટ્યૂટની સ્પષ્ટતા: ‘કૉવિશીલ્ડ’ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19) વેક્સિન બાબતે હવે નવી સ્પષ્ટતા થઈ છે. કોવિશીલ્ડ વેક્સિનની ટ્રાયલમાં સામેલ વ્યક્તિએ તેના આરોગ્ય અને સ્વસ્થતા પર ગંભીર અસરો થઈ હોવાનો દાવો કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII)એ ખોટો હોવાનું કહ્યું છે અને સ્પષ્ટતા પણ કરી છે. જેમાં તેમણે પોતાની કોરોના વેક્સિન “કોવિશીલ્ડ” (Covishield) સંપૂર્ણ રીતે સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે.

તાજેતરમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડના ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિએ સીરમ પર આરોપ લગાવ્યો હતો કે, તેમની વેક્સિનના કારણે તેના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ છે. કોવિશીલ્ડ વેક્સિનની આડઅસરથી તેમને ન્યૂરોલૉજિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો. જો કે રવિવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટે વૉલેન્ટિયરના તમામ આરોપો ફગાવી દીધા હતા.

હવે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાનું કહેવું છે કે, કોવિશીલ્ડ સંપૂર્ણ સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે. વેક્સિનનના કારણે ચેન્નઈના વૉલેન્ટિયરને કોઈ આડઅસર નથી થઈ. ટ્રાયલમાં તમામ માપદંડો અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું છે.

પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર, DSMB અને એથિક્સ કમિટીએ કહ્યું કે, વેક્સિનના ટ્રાયલનું વૉલેન્ટિયરના સ્વાસ્થ્ય સાથે કોઈ સંબંધ નથી. કંપનીની પ્રતિષ્ઠાને બચાવવા માટે કાયદેસરની નોટિસ મોકલવામાં આવી. જેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.

હકીકતમાં કોરોના વાયરસની વેક્સિન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ કોવિડ-19ની સંભાવિત વેક્સિનના ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિના આરોપોને રવિવારે ફગાવી દીધા હતા. કંપનીએ ખોટા આરોપ લગાવવા મામલે જંગી વળતર વસૂલવાની ધમકી આપી હતી.

ચેન્નઈમાં “કોવિશીલ્ડ”ના ટ્રાયલમાં ભાગ લઈ રહેલા 40 વર્ષના વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે, કોવિશીલ્ડ વેક્સિનથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. આથી વ્યક્તિએ SII પર પાંચ કરોડ રુપિયાનું વળતર માંગ્યો હતો અને ટ્રાયલ પર રોક લગાવવાની માંગ કરી હતી. જો કે કંપનીનું કહેવુ છે કે, તે વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ માટે ખોટી રીતે વેક્સિનને જવાબદાર ઠેરવી છે.

આ પણ વાંચો: વેક્સિનથી માંદા પડ્યાની ફરિયાદ કરનાર પર સીરમ ઇન્સ્ટિટ્યૂટ કરશે 100 કરોડનો દાવો

તમને જણાવી દઈએ કે, પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા ફાર્મા કંપની સાથે સંયુક્ત રીતે કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ બનાવી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ભારતમાં આ વેક્સિનનું ટ્રાયલ કરી રહી છે.

national news coronavirus covid19