દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધ્યા

20 February, 2021 11:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધ્યા

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઈરસના સક્રિય કેસમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસથી જોડાયેલા 13,993 નવા કેસ સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 101 લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના અત્યાર સુધી કુલ 1 કરોડ 9 લાખ 77 હજાર 387 મામલા સામે આવી ચૂક્યા છે. જોકે એમાંથી 1 કરોડ 6 લાખ 78 હજાર 48 લોકો કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા છે.

દેશમાં કોરોનાના સક્રિય કેસ હાલમાં 1 લાખ 43 હજાર 127 છે. ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક 1 લાખ 56 હજાર 212 સુધી પહોંચી ગયો છે.

કોરોનાના સક્રિય કેસોમાં વધારો

દેશમાં કોરોના વાઈરસના સક્રિય કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3585 સક્રિય કેસ વધ્યા છે. એનાથી કોરોનાના એક્ટિવ દર વધીને 1.30 ટકા થઈ ગયો છે. એ સિવાય કોરોનાનો રિકવરી દર વધવામાં પણ કમી આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,307 લોકો કોરોનાથી રિકવર થયા છે. એનાથી રિકવરી દર વધીને 97.27 ટકા થઈ ગયા છે. ભારતનો કોરોના મૃત્યુદર હાલ 1.42 ટકા છે.

લોકોની બેદરકારીથી વધી રહ્યા છે કેસ

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી વધતા સંક્રમણે ચિંતા વધારી દીધી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે લોકોની બેદરકારીના કારણે કોરોના કેસ વધી રહ્યા છે. આ ઉપરાંત લોકલ ટ્રેનોના સંચાલનથી પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. નિષ્ણાંતોએ લોકોને કોરોના વાઈરસથી બચવાના ઉપાયો પર સખત રીતે અમલ કરવાની વિનંતી કરી છે.

દેશમાં 21 કરોડથી વધારે કોરોના ટેસ્ટ

દેશમાં કોરોના તપાસની સંખ્યા તેજીથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 21 કરોડથી વધારે લોકોની કોરોના તપાસ થઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research, ICMR) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં 19 ફેબ્રુઆરી 2021 સુધી 21,02,61,480 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 7,86,618 ટેસ્ટ એક દિવસમાં કરવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધી 1.07 કરોડથી વધારે રસીકરણ

દેશમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 1 કરોડ 7 લાખ 15 હજાર 204 લોકોને રસી આપવામાં આવી છે. એમાંથી છેલ્લા 24 કલાકમાં 5 લાખ 27 હજાર 197 લોકોને રસી આપવામાં આવી છે.

coronavirus covid19 lockdown national news