24 May, 2025 02:19 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કર્ણાટકના પાટનગર બૅન્ગલોરમાં ૯ મહિનાના એક બાળકની કોરોનાની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. બૅન્ગલોર ગ્રામીણ જિલ્લા હોસ્કોટના રહેવાસી એવા આ બાળકને શરૂઆતમાં ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, પણ હવે તેને વાણી વિલાસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળક તબીબી દેખરેખ હેઠળ છે અને સારવારને પ્રતિભાવ આપી રહ્યું છે. કર્ણાટકમાં કોરોનાના હવે ૧૬ સક્રિય કેસ છે.
આ મુદ્દે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ચીફ સેક્રેટરી હર્ષ ગુપ્તાએ જણાવ્યું હતું કે બાવીસમી મેએ રૅપિડ એન્ટિજન ટેસ્ટ દ્વારા બાળકની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. દરદીની સ્થિતિ સ્થિર છે.
કેરલામાં ૧૮૨ કેસ
પાડોશી રાજ્ય કેરલામાં કોવિડ-૧૯ના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૧૮૨ કેસ નોંધાયા છે. કોટ્ટાયમ જિલ્લામાં ૫૭ કેસ સાથે સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યાર બાદ અર્નાકુલમમાં ૩૪ કેસ અને તિરુવનંતપુરમમાં ૩૦ કેસ નોંધાયા છે. બાકીના કેસ અન્ય જિલ્લાઓમાં ફેલાયા છે.