ભારતમાં કોરોના હવે બેકાબૂ : 24 કલાકમાં વિક્રમજનક 6661 કેસ

25 May, 2020 09:47 AM IST  |  New Delhi | Agencies

ભારતમાં કોરોના હવે બેકાબૂ : 24 કલાકમાં વિક્રમજનક 6661 કેસ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના રોગચાળાએ માઝા મૂકી હોય અને ખરા અર્થમાં બેકાબૂ બની ગયો હોય એમ ફરીથી છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૬૧ જેટલા કેસ નોંધાયા હતા જે ગઈ કાલ કરતાં વધારે અને અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધારે હોવાની નોંધ સત્તાવાળા દ્વારા લેવામાં આવી છે. જ્યારે ૧૪૭ લોકોનાં મોત નીપજ્યાં છે. એટલું જ નહીં, છેલ્લા પાંચ દિવસ સતત 5000 કરતાં વધારે કેસ બહાર આવ્યા છે. પૉઝિટિવ કેસની સંખ્યામાં ભારત હવે ઈરાનને પાછળ રાખી વિશ્વમાં ૧૦મો અને એશિયાનો બીજો સૌથી સંક્રમિત દેશ બનવાની નજીક પહોંચી રહ્યો છે જેને એક ભયજનક બાબત તરીકે જોવામાં આવી રહી છે. ઈરાનમાં ૧,૩૩,૫૨૧ કેસ નોંધાયા છે તો ભારતમાં સંક્રમણના કેસ ૧,૩૧,૪૨૦ પર પહોંચી ગયા છે અને ૩૮૬૭ લોકોનાં મોત થયાં છે, જ્યારે પૂર્વોત્તરના રાજ્ય સિક્કિમમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દિલ્હીથી પરત ફરેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના પૉઝિટિવ કેસના દરદીઓનો નવો રેકૉર્ડ જોવા મળ્યો છે. રવિવારે સવારે આઠ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૬૭૬૭ નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એના હેલ્થ બુલેટિનમાં માહિતી આપી છે કે દેશમાં કોરોનાના કુલ ૧,૩૧,૮૬૮ પૉઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ૩૮૬૭ નાં મોત થયાં છે. એ પહેલાં બે દિવસમાં અનુક્રમે ૬૦૮૮ અને ૬૬૫૪ નવા કેસ બહાર આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૩,૫૬૦ ઍક્ટિવ કેસ છે તેમ જ અત્યાર સુધીમાં ૫૪,૪૪૧ દરદી સ્વસ્થ થયા છે. દરદીઓના સ્વસ્થ થવાનો વર્તમાન દર ૪૧.૨૮ ટકા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના મતે દેશમાં ૧,૩૧,૮૬૮ દરદી મળ્યા છે. આ પૈકી ૭૩,૫૬૦ દરદીનો ઇલાજ ચાલી રહ્યો છે, જ્યારે ૫૪,૪૪૦ દરદીને સારું થઈ ગયું છે અને ૩૮૬૭ લોકોનાં મોત થયાં છે.

પંજાબના જાલંધરમાં કેટલાક પ્રવાસી શ્રમિકો તેમના ગામ જવા માટે રજિસ્ટ્રેશનની પ્રતિક્ષામાં પાંચ દિવસથી ફ્લાઈઓવરની નીચે બેઠા છે. તેમનું કહેવું છે કે તેમને અહીં ભોજન-પાણી પણ મળ્યું નથી. દિલ્હીના જેલ વિભાગે કોરોનાના જોખમને લીધે ૬૦ વર્ષથી વધારે ઉંમરના દરદીઓને ઇમર્જન્સી પેરોલ આપવાનો નિર્ણય કર્યો છે.

national news new delhi coronavirus covid19 lockdown