સોનિયા ગાંધીના જમાઈ પર કસાયો કોર્ટનો ગાળિયો

12 October, 2012 05:48 AM IST  | 

સોનિયા ગાંધીના જમાઈ પર કસાયો કોર્ટનો ગાળિયો



સોનિયા ગાંધીના જમાઈ અને રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ સાથેના સંબંધોને કારણે વિવાદમાં ફસાયેલા રૉબર્ટ વાડ્રા વિરુદ્ધ તપાસની માગણી કરતી જાહેર હિતની યાચિકાને અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે સ્વીકારી છે. ગઈ કાલે હાઈ કોર્ટે આ અરજી સામે વાંધો રજૂ કરવા માટે કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયાંનો સમય આપતી નોટિસ આપી હતી. નૂતન ઠાકુર નામની સામાજિક કાર્યકરે કરેલી અરજીમાં વાડ્રા અને ડીએલએફ સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસની માગણી કરવામાં આવી છે.

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના નેતા અરવિંદ કેજરીવાલે વાડ્રા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે વાડ્રાએ ડીએલએફ પાસેથી વિના વ્યાજની ૬૫ કરોડ રૂપિયાની લોન મેળવીને ઓછી કિંમતમાં ૩૧ પ્રૉપર્ટી ખરીદી હતી, જેની વૅલ્યુ ૩૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. વાડ્રાએ તથા ડીએલએફે આ આક્ષેપો નકાર્યા છે. હાઈ કોર્ટમાં થયેલી અરજીમાં અરજદારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા તપાસની માગણી કરી છે. જોકે ઍડિશનલ સૉલિસિટર જનરલ અશોક નિગમે આ અરજીનો વિરોધ કરીને એને ફગાવી દેવાની માગણી કરી હતી.

ડીએલએફ = દિલ્હી લૅન્ડ ઍન્ડ ફાઇનૅન્સ