દેશના હેલ્થ વર્કરોને અપાયું કોરોના રસીનું સુરક્ષા કવચ

17 January, 2021 11:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશના હેલ્થ વર્કરોને અપાયું કોરોના રસીનું સુરક્ષા કવચ

એમ્સના સફાઇ કર્મચારીને આપવામાં આવતી કોરોનાની પહેલી રસી (તસવીર: પી.ટી.આઈ)

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના પ્રતિકારક રસીકરણ અભિયાનનો ઔપચારિક આરંભ કરતાં રોગચાળાને કારણે ૧૦ મહિનાના જીવન, આરોગ્ય અને આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિહન મૂકતા સમયમાં આશાનું કિરણ જોવા મળ્યું હતું. રોગચાળામાં એક કરોડથી વધારે કેસ અને દોઢ લાખ જેટલાં મૃત્યુ નોંધાયા પછી કોવિશિલ્ડ અને કોવૅક્સિન બે રસીઓ બજારમાં અને વ્યવહારમાં આવતાં લોકોએ ઘણી રાહત અનુભવી હતી. સતત ભયના વાતાવરણ વચ્ચે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

બે ડોઝની વૅક્સિનનો પહેલો ડોઝ ગઈ કાલે લેનારાઓમાં આરોગ્ય અને રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓનો સમાવેશ હતો. ગઈ કાલે વૅક્સિનેશન ડ્રાઇવના આરંભમાં હેલ્થકૅર વર્કર્સ ઉપરાંત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, નીતિ આયોગના સભ્ય અને કોરોના રોગચાળાના પ્રતિકાર માટેના મેડિકલ ઇક્વિપમેન્ટ એન્ડ મૅનેજમેન્ટ પ્લાનના એમ્પાવર્ડ ગ્રુપના વડા વી. કે. પૉલ, બીજેપીના સંસદસભ્ય મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના પ્રધાન નિર્મલ માઝીનો સમાવેશ છે.

વૅક્સિનેશન ડ્રાઇવના ભાગરૂપે દેશભરનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૩૦૦૬ નિર્ધારિત સ્થળો પર ત્રણ લાખ જણના પ્રાયોરિટી ગ્રુપ્સના લોકોને રસીના બે ડોઝ આપવામાં આવશે. શરૂઆતમાં એક કરોડ હેલ્થ વર્કર્સ અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી પચાસ વર્ષથી વધારે ઉંમરના નાગરિકોને રસી આપવામાં આવશે.

દિલ્હીમાં અભિયાનના શુભારંભ રૂપે કેન્દ્રના આરોગ્યપ્રધાન હર્ષ વર્ધનની હાજરીમાં સૅનિટેશન વર્કર મનીષ કુમારે રસીનો પહેલો ડોઝ લીધો હતો. પશ્ચિમ બંગાળના પાટનગર કલકત્તામાં પ્રાઇવેટ હૉસ્પિટલનાં ડૉક્ટર બિપાશા સેઠે વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.  ગુજરાતનાં ૧૬૧ સેન્ટર્સ પર રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ કેતન દેસાઈએ વૅક્સિનનો પહેલો ડોઝ લઈને આરંભ કર્યો હતો. રાજકોટમાં મેડિકલ વૅન ચલાવતા ડ્રાઇવર અશોકભાઈએ પહેલો ડોઝ લીધો હતો. મહારાષ્ટ્રનાં ૨૮૫ સેન્ટર્સમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સરકારી જે.જે. હૉસ્પિટલના ડીન ડૉ. રણજિત માન્કેશ્વરે સૌથી પહેલાં વૅક્સિનનો ડોઝ લીધો હતો.

coronavirus covid19 national news