COVID-19 Cases in India: સતત ત્રીજા દિવસે 16000થી વધુ કેસ નોંધાયા

27 February, 2021 10:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

COVID-19 Cases in India: સતત ત્રીજા દિવસે 16000થી વધુ કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 સંક્રમણના કુલ 16,488 નવા કેસ નોંધાયા છે. તેમ જ 113 સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત સંક્રમણથી સાજા થનારા લોકોની સંખ્યા 12,771 છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ અત્યાર સુધી દેશમાં કુલ સંક્રમણના આંકડા 1,10,79,979 થઈ ગયો છે. જણાવી દઈએ કે સંક્રમણથી સાજા થનારાનો કુલ આંકડો 1,07,63,451 છે અને અત્યાર સુધી 1,56,938 સંક્રમિતાના મોત નીપજ્યાં છે.

મંત્રાલય અનુસાર દેશમાં હાલમાં 1,59,590 સક્રિય કેસ છે. આ વર્ષના 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની શરૂઆત થઈ હતી અને અત્યાર સુધી કુલ 1,42,42,547 લોકોને વેક્સિનની ડોઝ આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર ભારતમાં કાલ સુધી કોરોના વાઈરસના કુલ 21,54,35,383 નમૂનાઓ પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી 7,73,918 નમૂનાઓનું પરીક્ષણ શુક્રવારે કરવામાં આવ્યું હતું.

દેશમાં સંક્રમિતોથી સાજા થનારાનો દર 97.14 ટકા છે અને મૃત્યુ દર 1.42 ટકા છે. ભારતમાં 7 ઑગસ્ટના રોજ સંક્રમણનો આંકડો 20 લાખને પાર પહોંચી ગયો હતો, 23 ઑગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખનો આંકડો વટાવી ગયો હતો. 28 સપ્ટેમ્બરના રોજ સંક્રમણનો આંકડો 60 લાખને પાર, 11 ઑક્ટોબરના રોજ 70 લાખની પાર, 29 ઑક્ટોબરના રોજ 80 લાખને પાર, 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર અને 19 ડિસેમ્બરે આ આંકડો 1 કરોડના પાર પહોંચી ગયો હતો.

national news new delhi coronavirus covid19