Covid-19: કોરોના વાઈરસના જૂન બાદ 24 કલાકમાં સૌથી ઓછા 12,584 નવા કેસ

12 January, 2021 12:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Covid-19: કોરોના વાઈરસના જૂન બાદ 24 કલાકમાં સૌથી ઓછા 12,584 નવા કેસ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણની રફ્તાર ઘણી ધીમી પડી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના ફક્ત 12,584 નવા કેસ નોંધાયા છે અને તે દરમિયાન 167 લોકોનાં મોત નીપજ્યાં છે. એક સમય એવો હતો જ્યારે ફક્ત એક રાજ્યથી સંક્રમણના આટલા કેસ સામે આવતા હતા. ભારતમાં કોવિડ-19ના ફક્ત 2,16,558 એક્ટિવ કેસ બાકી છે. અત્યાર સુધી એક કરોડથી વધારે (1,01,11,294) લોકો આ જીવલેણ વાઈરસને ભારતમાં માત આપી ચૂક્યા છે. હવે કુલ 1,51,327 લોકો કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 1,04,79,179 લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.

ભારતમાં કોરોના વાઈરસનું પ્રમાણ ધીમું થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ સાજા થનારા લોકોની સંખ્ય વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 18,385 લોકોએ આ વાઈરસને હરાવી દીધો છે. આગામી કેટલાક દિવસોમાં લોકોની રિકવરીની ગતિ ચોક્કસપણે વધશે, જ્યારે દેશભરમાં વેક્સિનેશન શરૂ થઈ જશે. કોરોના વેક્સિનની પહેલી ખેપ સીરમ ઈન્સ્ટિટ્યૂટથી રવાના થઈ ગઈ છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વેક્સિનેશન માટે દેશભરમાં ડ્રાય રન પણ કરવામાં આવ્યા છે, જેથી આ દરમિયાન આવનારી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી શકે.

જણાવી દઈએ કે એક સમયે ફક્ત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 12 હજારથી વધારે કેસ સામે આવતા હતા. આજે આખા દેશમાં 12 હજાર કેસ નોંધાયા છે. જૂન મહિના બાદ આ સૌથી ઓછા આંકડાઓ છે. 18 જૂન બાદ એક દિવસમાં નોંધાયેલા નવા કેસોની આ સૌથી ઓછી સંખ્યા છે. 18 જૂને દેશમાં 12,881 નવા કેસ સામે આવ્યા હતા.

national news new delhi coronavirus covid19 lockdown