કોરોના વાઈરસ અપડેટ: છેલ્લા 24 કલાકમાં 6387 નવા કેસ, 170 લોકોનાં મોત

28 May, 2020 09:31 AM IST  |  New Delhi | Agencies

કોરોના વાઈરસ અપડેટ: છેલ્લા 24 કલાકમાં 6387 નવા કેસ, 170 લોકોનાં મોત

પ્રતીકત્મક તસવીર

ભારતમાં હાલમાં કોરોના મહામારીનો સામનો કરવા લોકડાઇન-4નો તબક્કો ચાલી રહ્યો છે, જે ૩૧ મે સુધી છે. એક રીતે જોતાં લોકડાઉન-4ની સમયમર્યાદા પૂરી થવામાં છે છતાં કોરોનાના કેસમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થવાને બદલે છેલ્લા કેટલાય દિવસોથી રોજેરોજ ૬૦૦૦ કરતાં વધારે કેસ બહાર આવી રહ્યા છે અને કેસોની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી ગઈ છે એ જોતાં એવી અટકળો થઈ રહી છે કે સરકાર લૉકડાઉન-5નો નિર્ણય કરે તો નવાઈ નહીં. કેટલાંક રાજ્યોએ લૉકડાઉન ચાલુ રાખીને વધારે છૂટછાટો આપવાની માગણી કરી છે તો કેટલાકે લૉકડાઉન દૂર કરવાનો મત વ્યક્ત કર્યો છે. દરમ્યાનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૬૩૮૭ નવા કેસ સામે આવ્યા અને ૧૭૦ લોકોનાં મોત નેંધાયાં છે. લૉકડાઉન-4 આખરી હશે કે લૉકડાઉન-5 પણ અમલમાં મુકાશે કે કેમ એની અટકળો વચ્ચે પીએમઓ હાલમાં ચીન અને નેપાલ દ્વારા સરહદે ઊભી કરેલી તંગદીલીનો સામનો કરવાની રણનીતિમાં વ્યસ્ત છે. અને એક-બે દિવસમાં જ લૉકડાઉન-5 અંગેનો નિર્ણય લેવાશે.

કોરોનાના સંકટના પગલે લૉકડાઉનના પાંચમા તબક્કા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ લૉકડાઉન-5 માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઝડપથી ‘મન કી બાત’ કરે એવી શકયતા છે. લૉકડાઉનના પાંચમા તબક્કામાં કોરોનાથી પ્રભાવિત દેશનાં ૧૧ શહેરોને બાદ કરતા સમગ્ર દેશમાં વધુ છુટ અપાય એવી શકયતા છે.

સૂત્રોનું કહેવું છે કે લૉકડાઉનના પાંચમા તબક્કામાં ૧૧ શહેરો મુખ્ય હશે જેમાં દિલ્હી, મુંબઈ, પુણે, થાણે, ઈન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકતા સામેલ છે. આ શહેરોમાં દેશના કુલ કોરોના કેસના ૭૦ ટકાથી વધુ કેસ છે. અમદાવાદ, દિલ્હી, પુણે, કલકત્તા, મુંબઈમાં તો કુલ કેસના ૬૦ ટકા દરદીઓની પુષ્ટિ થઈ ચૂકી છે.

લૉકડાઉનના પાંચમા તબક્કામાં કેન્દ્ર તરફથી ધાર્મિક સ્થળોને ખોલવાની છૂટ અપાય એવી શક્યતા છે. જોકે તેના માટે ચોક્કસ નિયમો અને શરતો હશે. ધાર્મિક સ્થળો પર કોઈ પણ મેળો કે મહોત્સવ મનાવવાની છુટ હશે નહીં સાથે જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ શકશે નહીં.

એક અહેવાલ પ્રમાણે દેશભરમાં ૧,૫૧,૯૭૩ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૪૩૪૬ લોકોનાં મોત થયા છે. સાથે જ ૬૪,૨૭૭ લોકો સારવાર બાદ સાજા થયા છે.

બીજી તરફ દેશભરમાં મહારાષ્ટ્ર ૫૪,૭૫૮ સંક્રમિતો સાથે પહેલા ક્રમે છે, જ્યાં ૧૭૯૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. તામિલનાડુ ૧૭,૭૨૮ સંક્રમિતો સાથે બીજા ક્રમે છે જ્યાં ૧૨૮ લોકોનાં મોત થયાં છે. ગુજરાત ૧૪,૮૨૯ દરદીઓ સાથે ત્રીજા નંબરે છે.

national news new delhi coronavirus covid19 lockdown