કોરોનાથી દેશમાં હાહાકાર : 1424 કેસ

01 April, 2020 12:22 PM IST  |  New Delhi | Agencies

કોરોનાથી દેશમાં હાહાકાર : 1424 કેસ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાઇરસ સામેની લડાઇમાં દેશવ્યાપી ૨૧ દિવસના લૉકડાઉનમાં આજે સાતમા દિવસે પણ આ મહામારીના નવા પૉઝિટિવ કેસો નોંધાયા છે. દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારના એક ધાર્મિક કાર્યક્રમમાં વર્તમાન મહામારીની વચ્ચે મોટી સંખ્યામાં લોકોની હાજરીને લઈને અને એના કારણે કોરોનાના કેસો વધવાની શક્યતા સાથે અલગથી વિવાદ અને રાજકારણ શરૂ થયું છે. દરમ્યાનમાં અલગ-અલગ રાજ્યોના મળીને અત્યાર સુધીમાં કુલ ૧૪૧૯ કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે મરનારાઓની સંખ્યા ૪૧ પર પહોંચી ગઇ છે.

આજે મધ્ય પ્રદેશમાં ૧૯, મહારાષ્ટ્ર-યુપીમાં પાંચ-પાંચ અને રાજસ્થાનમાં ૪ તથા ગુજરાતમાં બે નવા સંક્રમિત કેસો બહાર આવ્યા હતા. ખાસ કરીને દિલ્હીમા નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી સમુદાયના એક ધાર્મિક કાર્યક્રમમાં એકત્ર થયેલા અંદાજે ૨૦૦૦ લોકોમાંથી સંખ્યાબંધ કોરોનાના શિકાર બની શકે એમ છે. આ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાના ઘરે જનારાઓ પૈકી ૧૦નાં મોત થયાં છે. ૪૦૦થી ૫૦૦ જણને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમાંથી ૨૦૦ લોકોને કોરોના પૉઝિટિવની આશંકા વચ્ચે આ કાર્યક્રમમાં ભાગ લઈને જેઓ પોતપોતાનાં રાજ્યોમાં ગયા એ રાજ્યોના માથે ખતરો વધવાની શક્યતા છે. કોરોના મહામારી વચ્ચે આ કાર્યક્રમની મંજૂરીને લઈને વિવાદ શરૂ થયો છે.

સૂત્રોએ કહ્યું કે ગઈ કાલે સવારે એક મહિલા અને એક વૃદ્ધનું મોત થયું છે. કેરળના તિરુવનંતપુરમમાં કોરોના પૉઝિટિવ ૬૮ વર્ષની વ્યક્તિનું મોત થયું છે. મેડિકલ કૉલેજના અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમની કિડની ફેલ થઈ ચૂકી હતી. દેશભરમાં કોરોનાના સંકટ વચ્ચે દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ ચૂકેલા ૧૦ વ્યક્તિઓનાં મોત થતાં હડકંપ મચી ગયો છે. જે ૧૦ લોકો મૃત્યુ પામ્યાં છે એમાં તેલંગણની છ વ્યક્તિ છે, જ્યારે એક વિદેશી છે. આ ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરની એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે‍ આ ધાર્મિક કાર્યક્રમમાં અંદાજે ૨૦૦૦ લોકો સામેલ થયા હતા જેમાં દેશના જુદા-જુદા વિસ્તારોના નાગરિક પણ સામેલ હતા. દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકઝમાં ૧થી ૧૫ માર્ચ સુધી ૨૦૦૦થી વધુ લોકો એક ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા એમાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલૅન્ડથી આવેલા લોકો પણ હતા.

તેમાંથી ૨૦૦ લોકો કોરોનાથી સંક્રમિત હોય એવી આશંકા છે. શંકાસ્પદ લોકોને તપાસ માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેમને શરદી, ઉધરસ અને કફની ફરિયાદ છે. લૉકડાઉન મામલે દિલ્હી સરકારની આ ગંભીર બેદરકારી અત્યારે સામે આવી છે જેમાં લૉકડાઉન એક મજાક બની ગયું છે. પોલીસે નિઝામુદ્દીન એરિયાને કોર્ડન કરી લીધો છે. અહીં અંદાજે ૨૦૦૦ લોકોને ક્વૉરન્ટીન કરાયા છે અને તે બધાની કોરોના ટેસ્ટ કરાઈ રહી છે. આ દેશનો પહેલો આટલો મોટો સમૂહ છે કે જેની કોરોના ટેસ્ટ કરાઈ રહી છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા પ્રમાણે ભારતમાં કોરોના મહામારી સંક્રમણ હાલમાં કમ્યુનિટી લેવલ પર પહોંચ્યું નથી જે એક સારી બાબત માનવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ હાલમાં કમ્યુનિટી લેવલ પર નથી પહોંચ્યું. આ લોકલ લેવલ પર ટ્રાન્સમિટ થઈ રહ્યું છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે સમાજની દરેક વ્યક્તિએ સહયોગ કરવો પડશે, નહીં તો અત્યાર સુધી સંક્રમણને રોકવા માટે જે પણ પરિણામ સામે આવ્યાં છે, એ બધું નકામું થઈ જશે. તેમણે અત્યારથી અપીલ કરી છે કે ૧૦૦ ટકા લોકો અલર્ટ રહે અને દેશને આ બીમારીમાંથી મુક્ત કરવા માટે પોતાનું યોગદાન આપે. લવ અગ્રવાલે કહ્યું કે જો કોઈને શંકા છે કે તેને સંક્રમણ છે તો મહેરબાની કરીને એને છુપાવશો નહીં.

રાજ્યોની સ્થિતિ પર નજર નાખીએ તો મહારાષ્ટ્ર ઃ છેલ્લા આઠ દિવસથી કરફ્યુ લાગેલો છે તેમ છતા એની સ્થિતિ નિયંત્રિત થઈ શકતી નથી. રાજસ્થાનમાં તમામ પ્રયાસો બાદ પણ સંક્રમણના કેસ વધતા જઈ રહ્યા છે. અહીં છેલ્લા ૧૨ કલાકમાં ૧૩ નવા પૉઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાંથી ચાર કેસ ગઈ કાલે સામે આવ્યા જેમાંથી દુબઈથી ઝુંઝુનુ પાછી આવેલી એક ૪૪ વર્ષની વ્યક્તિ, અજમેરમાં પંજાબથી પાછા ફરેલા યુવકની ૧૭ વર્ષની બહેન, ડુંગરપુરમાં સંક્રમિત મળ્યા યુવકના ૬૫ વર્ષના પિતા અને જયપુરમાં ૬૦ વર્ષના વૃદ્ધ છે. રાજ્યમાં અત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા ૮૩ પહોંચી ગઈ છે સાથે જ સંક્રમણના કારણે બે લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. રાજસ્થાનના ભીલવાડા શહેરમાં કોરોનાના કારણે મોટી આપત્તિને રોકવા સરકારે ૩ એપ્રિલથી ભીલવાડામાં કરફ્યુ નાખવાની જાહેરાત થઈ છે.

કુલ સંક્રમિત ૨૩ અહીં સરકારે હોમ ક્વૉરન્ટીન અને કોરોના પૉઝિટિવ દરદીઓ પર નજર રાખવા માટે કોવિડ અલર્ટ ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે. આનાથી લગભગ ૨૫,૦૦૦ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. સરકાર પાસે આ તમામ લોકોના મોબાઇલ નંબર અને સરનામાં છે જેને તેને ટેલિકૉમ કંપનીઓ સાથે શેર કર્યા છે. જેવી કોઈ વ્યક્તિ તેના ઘરના ૧૦૦ મીટર દૂર પણ જાય છે, આ સિસ્ટમ જિલ્લા તંત્રને અલર્ટ કરે છે. ત્યાર બાદ સંબંધિત વ્યક્તિને ફોન પર જ સમજાવવામાં આવે છે. જો તે ન માને તો તેની પર કાર્યવાહી કરવામાં આવે.

કોરોના સંક્રમણથી દેશમાં ૨૭ રાજ્ય પ્રભાવિત છે. આમાંથી મધ્ય પ્રદેશ ૧૦મા નંબરે છે, પરંતુ શહેરોની વાત કરવામાં આવે તો ૨૪ માર્ચ સુધી કોરોના મુક્ત રહેલું ઇન્દોર છેલ્લા પાંચ દિવસોમાં દેશનું સૌથી સંક્રમિત શહેરોની યાદીમાં આઠમા નંબરે આવી ગયું છે.

દિલ્હીના નિઝામુદ્દીન ખાતે આવેલા મરકજ બિલ્ડિંગમાં હાજર ૨૪ લોકો પૉઝિટિવ નીકળ્યા છે. આ માહિતી દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આપી હતી. તેમણે જણાવ્યું કે સોમવારે અત્યાર સુધી ૩૦૦ લોકોને હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. સાથે જ ૭૦૦થી ૮૦૦ લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે દેશમાં લૉકડાઉન હતું એ વખતે આ પ્રકારની પ્રવૃત્તિ કરવી ગુનો છે.

આજે તમામ દેવસ્થાનો બંધ છે, પરંતુ હૉસ્પિટલો ખુલ્લી છે. બૅન્ગલોરની એક હૉસ્પિટલનો ડૉક્ટર ચાર દિવસ બાદ પોતાના પરિવારની ઊડતી મુલાકાતે આવ્યો છે. કોરોનાના દરદીઓની સારવાર કરતો હોવાને કારણે તે પોતાના પરિવાર સાથે બેસીને સરખી રીતે ચા પણ પી શકતો નથી. દૂરથી જ પોતાના પરિવારને જુએ છે એવી ટ્વિટર પર વાઇરલ આ તસવીર છે. સલામ છે તારી સર્વિસને.

national news new delhi coronavirus covid19