સર ગંગારામ હૉસ્પિટલનાં ડૉક્ટર સહિત સ્ટાફના 108 લોકોને ક્વૉરન્ટીન કરાયા

05 April, 2020 09:33 AM IST  |  New Delhi | Agencies

સર ગંગારામ હૉસ્પિટલનાં ડૉક્ટર સહિત સ્ટાફના 108 લોકોને ક્વૉરન્ટીન કરાયા

દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલ

દેશમાં કોરોના વાઇરસ સંક્રમણના આજે ૧૦૨ નવા કેસ સામે આવ્યા છે જેમાંથી સૌથી વધારે ૪૭ દરદી મહારાષ્ટ્રના છે. ત્યાર બાદ રાજસ્થાનમાં ૧૯, ગુજરાતમાં ૧૦, મધ્ય પ્રદેશમાં ૪, જ્યારે આસામમાં ૨, ગોવામાં ૦૧ અને પંજાબમાં ૦૪ દરદીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૩૨૧૦ થઈ ગઈ છે.

દેશમાં એક સપ્તાહમાં જ આ બીમારીના ૧૯૭૩ દરદી વધ્યા છે. ૨૯ માર્ચે કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૧૩૯ હતી. આ પહેલાં શુક્રવારે એક દિવસમાં સૌથી વધારે ૫૬૩ કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધી ૨૨૯ દરદી સ્વસ્થ થયા છે, જ્યારે ૯૮નાં મોત થયાં છે.

દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલનાં ઘણાં ડૉક્ટર્સ અને નર્સો સહિત સ્ટાફના ૧૦૮ લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં છે જેમાંથી ૮૫ લોકોને ઘરે અને ૨૩ને હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. આ તમામ બે દરદીઓના સંપર્કમાં આવ્યા હતા જેમનો હાલમાં જ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશના કુલ ૩૨૧૦ કોરોના વાઇરસના મામલાઓમાં ૧૮૩ કેસ એવા પણ છે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. જોકે ૬૮ લોકો આ વાઇરસના કારણે પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. એક વ્યક્તિને માઇગ્રેટ કરી લેવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હીમાં કોરોના વાઇરસના મામલાઓમાં ઝડપથી વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૪૨૩ કેસ નોંધાયા છે, જ્યારે તામિલનાડુમાં ૪૧૧ અને દિલ્હીમાં ૩૮૬ કેસ નોંધાયા છે. જોકે આ રાજ્યોની તરફથી જે આંકડા જાહેર થયા છે એ આંકડા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા કરતાં ઘણા વધારે છે.

national news new delhi coronavirus covid19