20 વર્ષ સુધી કોરોનાનો અંત નહીં આવે?

23 October, 2020 06:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

20 વર્ષ સુધી કોરોનાનો અંત નહીં આવે?

પ્રતીકાત્મક તસવીર

ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર છે, જોકે રિકવરી રેટમાં સુધારો અને મોટા ભાગના દેશ વેક્સિનના ટેસ્ટિંગના ત્રીજા તબક્કામાં હોવાથી આશા જાગી હતી કે આ મહામારીનો અંત ટૂંક સમયમાં આવશે પરંતુ સિરમ ઈન્સ્ટિટ્યૂટના દાવાએ આ આશા ઉપર પાણી ફેરવ્યું છે.

અગ્રણી વેક્સીન નિર્માતા ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટે દાવો કર્યો છે કે કોરોના વાયરસની મહામારી એમ જલ્દી જવાની નથી, આવનારા બે દશક સુધી કોરોના વાયરસની આ બીમારી રહેશે.

સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઇઓ અદાર પૂનાવાલાએ એક બિઝનેસ વેબસાઇટ સાથે વાત કરતા જણાવ્યું છે કે આવનારા 20 વર્ષ સુધી કોરોના વાયરસનો ફેલાવો થતો રહેશે અને લોકોને તેનો ચેપ લાગશે. અને ત્યાં સુધી વેક્સીનની જરુર પણ રહેશે. પૂનાવાલાએ આગળ કહ્યું કે ઇતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે કોઇ પણ રસીની જરુરિયાત એક જ વારમાં પુરી થઇ ગઇ હોય. જેના માટે તેમણે ન્યુમોનિયા, ફ્લુ વગેરે બીમારીઓના ઉદાહરણ આપતા કહ્યું કે આ તમામ બીમારીઓની વેક્સીન વર્ષોથી વપરાય છે અને હજુ પણ તેનો વપરાશ શરુ જ છે. ત્યારે કોરોના વેક્સીન સાથે પણ આવું થઇ શકે છે, એમ અમરઉજાલાની વેબસાઈટમાં પબ્લિશ થયેલા આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે.

પૂનાવાલાએ જણાવ્યું કે જો વિશ્વના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે, તો પણ તેની જરુર તો પડશે જ. વેક્સીન એ કોઇ ઠોસ ઉપાય નથી, તેના વડે માત્ર ઇમ્યુનિટી જ વધે છે. વેક્સીનના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન થાય છે. જે તમને બીમારીથી બચાવે છે, પરંતુ 100 ટકા નહીં.

સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓક્સફર્ડ યુનિવર્સીટી સાથે મળીને કોવિશીલ્ડ નામની વેક્સીન બનાવી રહી છે. આ વેક્સીન અત્યારે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે.

national news coronavirus covid19