રાષ્ટ્રપતિ અને PM સહિત સંસદસભ્યોના એક વર્ષના પગારમાં 30%નો કાપ

07 April, 2020 09:56 AM IST  |  New Delhi | Agencies

રાષ્ટ્રપતિ અને PM સહિત સંસદસભ્યોના એક વર્ષના પગારમાં 30%નો કાપ

કેબિનેટ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે લૉકડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સ દ્વારા કેન્દ્રીય કૅબિનેટની બેઠક યોજાઈ હતી. ભારતમાં સૌપ્રથમ વખત વિડિયો કૉન્ફરન્સ દ્વારા કૅબિનેટની બેઠક યોજાઈ હતી. કોરોના વાઇરસ સામેના જંગમાં મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એક વર્ષ સુધી તમામ સંસદસભ્યોની સેલરીમાં ૩૦ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સંસદસભ્યોની સેલરીનો ઉપયોગ કોરોના વારસઇથી લડવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પણ એક વર્ષ સુધી પોતાની સેલરી ૩૦ ટકા ઓછી લેશે. બે વર્ષ માટે સંસદસભ્યોને મળતું ફન્ડ સ્થગિત કરવામાં આવ્યું છે. સંસદસભ્યોને વિકાસ માટે મળતી ગ્રાન્ટમાં‍ ૭૯૦૦ કરોડ રૂપિયા સ્થગિત કરાવામાં
આવ્યા છે.

કૅબિનેટ બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું કે તમામ સંસદસભ્યો પાસેથી ઓછો પગાર લેવાની મંજૂરી મળી ગઈ છે. પીએમ, મંત્રી અને તમામ સંસદસભ્યો ૩૦ ટકા ઓછી સેલરી લેશે. આ ઉપરાંત સંસદસભ્યોને મળતા ફંડ ૧૦ કરોડ પણ બે વર્ષ સુધી નહીં મળે એવો નિર્ણય લેવાયો છે. આ મુદ્દે સરકાર અધ્યાદેશ બહાર પાડશે.

ગુજરાતમાં પણ ધારાસભ્યો-પ્રધાનોના પગાર ભથ્થામાં આવશે ૩૦ ટકાનો કાપ

મોદી સરકારે કોરોનાથી ઊભી થયેલી મહામારીની આર્થિક પરિસ્થિતિમાં એક વર્ષ સુધી ૩૦ ટકા વેતનકાપના કરેલા નિર્ણયનો ગુજરાતમાં પણ અમલ થાય તેવી શક્યતા છે અને મુખ્ય પ્રધાન-નાયબ મુખ્ય પ્રધાન સહિત પ્રધાનો અને ધારાસભ્યોના વેતનભથ્થામાં પણ ૩૦ ટકા કાપ મુકાઈ શકે છે. જેમાં રાજ્યપાલનો પણ સમાવેશ થાય તો નવાઈ નહીં.

સૂત્રોએ કહ્યું કે રૂપાણી સરકાર કેન્દ્રમાં મોદી સરકારના નિર્ણયોને અનુસરે છે. કોરોનાની હાડમારીને જોતાં અને પ્રજામાં સંવેદનશીલ સરકારનો એક હકારાત્મક સંદેશો આપવા માટે રૂપાણી સરકાર પણ એકાદ બે દિવસમાં ધારાસભ્યો અને પ્રધાનો સહિતના વેતન-ભથ્થામાં એક વર્ષ સુધી ૩૦ ટકા કાપના નિર્ણયની જાહેરાત કરે તેમ છે. નોંધનીય છે કે ગુજરાતમાં ધારાસભ્યોને કલાસ-૨ના અધિકારીના વેતનભથ્થા સમકક્ષના લાભ મળે છે. હાલમાં ૭મા વેતન પંચ પ્રમાણે ધારાસભ્યો અને પ્રધાનો વગેરેને પગાર ભથ્થાં મળે છે, જે મહિને દોઢ લાખ થવા જાય છે.

national news