દેશમાં 92,000થી વધુ કોરોના પૉઝિટિવ કેસ : 120 લોકોનાં મોત

18 May, 2020 12:01 PM IST  |  New Delhi | Agencies

દેશમાં 92,000થી વધુ કોરોના પૉઝિટિવ કેસ : 120 લોકોનાં મોત

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઇરસનો અજગર ફૂંફાડા મારીને રોજ તેનો ભરડો વધુ કઠણ બનાવી રહ્યો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે આપેલા આંકડા મુજબ એક જ દિવસમાં કોરોનાના રેકૉર્ડ ૪૯૮૭ કેસનો વધારો થયો હતો તેમ જ ૧૨૦ વધુ દરદીઓનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા ૫૩,૯૪૬ને આંબી ગઈ છે. અત્યાર સુધીમાં ૩૪,૧૦૮ દરદીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહેતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેમ જ એક વિદેશી નાગરિક સ્થળાંતર કરી ગયો છે. આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના મતે દેશમાં કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર ૩૭.૫૧ ટકા આસપાસ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૫૬ દરદી સારવાર બાદ સાજા થયા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીના કુલ કેસના ૩૫ ટકા લોકો એટલે કે ૩૪,૧૦૮ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે અને સાજા થઈને ઘરે પરત આવી ગયા છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ વધુ ૧૨૦ દરદીઓના કોરોનાથી મોત થતાં કુલ મૃત્યુઆંક ૨૮૭૨ પર પહોંચ્યો છે. દેશમાં ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુમાં પરિસ્થિતિ વધુ ગંભીર જણાય રહી છે અને આ ત્રણેય રાજ્યોમાં ૧૦,૦૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

દેશમાં અત્યાર સુધી ૯૨,૦૦૦થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે એમાં ૬ રાજ્યો એવા છે જ્યાં ૧૦૦થી વધારે મોત નીપજ્યાં છે. ૧૮ રાજ્યો એવા છે જ્યાં ૧૦૦થી ઓછા લોકોનાં મોત નીપજ્યાં છે. સારી વાત એ છે કે ઘણાં રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ છે, પણ એક પણ મોત નીપજ્યું નથી. ૯ રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.

national news new delhi coronavirus covid19 lockdown