IIT Madrasમાં મળ્યા 100થી વધારે Covid-19 પૉઝિટિવ કેસ, તમામ વિભાગ બંધ

14 December, 2020 06:23 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

IIT Madrasમાં મળ્યા 100થી વધારે Covid-19 પૉઝિટિવ કેસ, તમામ વિભાગ બંધ

પ્રતીકાત્મક તસવીર

મદ્રાસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (IIT-M)માં કોરોના વાઈરસના વધારે કૅસ નોંધાયા બાદ હંગામો મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 100થી વધુ લોકો અહીં કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. વધતા કોરોના કેસોને કારણે સંસ્થાના મેનેજમેન્ટે તમામ વિભાગો બંધ કરવા પડ્યા છે. આઈઆઈટી-એમના મેનેજમેન્ટે તમામ વિદ્યાર્થીઓને સોમવારે કોરોના તપાસ કરાવવા જણાવ્યું છે અને જો કોઈ વિદ્યાર્થીને કોરોના ચેપ લાગ્યો છે, તો તેને ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવશે.

તમિળનાડુના આરોગ્ય સચિવ જે.રાધાકૃષ્ણને કહ્યું કે કુલ 104 વિદ્યાર્થીઓ અને અન્ય કેટલાક લોકો કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા છે. હોસ્પિટલમાં બધાની સ્થિતિ સારી છે.

સંસ્થા દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવાયું છે કે, આગામી આદેશ સુધી તમામ વિભાગો, કેન્દ્રો અને પુસ્તકાલયો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. આ પરિપત્રમાં તમામ ફેકલ્ટી સભ્યો, પ્રોજેક્ટ સ્ટાફ અને સંશોધનકારોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓ અને પ્રોજેક્ટના સ્ટાફ સભ્યોને કેમ્પસમાં અને તેમના છાત્રાલયના રૂમમાં પોતાને સીમિત રાખવા કહેવામાં આવ્યું છે.

આઇઆઇટી-એમએ જણાવ્યું હતું કે માત્ર 10 ટકા વિદ્યાર્થીઓને છાત્રાલયોમાં રાખવામાં આવી રહ્યા છે અને કોરોના કેસોમાં વધારો થવાની જાણ થતાં જ તેઓએ છાત્રાલયના તમામ વિદ્યાર્થીઓને નાગરિક અધિકારીઓની સલાહ લીધા બાદ તપાસ કરવાની વ્યવસ્થા કરી હતી.

tamil nadu coronavirus covid19 indian institute of technology chennai national news