કોરોના અનરાધાર : ૨૪ કલાકમાં ૨૩૦૦૦ કેસ, ૪૮૨નાં મોત

09 July, 2020 09:18 AM IST  |  Mumbai | Agencies

કોરોના અનરાધાર : ૨૪ કલાકમાં ૨૩૦૦૦ કેસ, ૪૮૨નાં મોત

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ હવાથી પણ ફેલાય છે એવા ૨૦૦ કરતાં વધારે વિજ્ઞાનીઓના દાવાને વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબ્લ્યુએચઓ)ના સમર્થનના પગલે આ રોગના સક્રમણ સામે વધુ અસરકારક રણનીતિના વૈશ્વિક મંથન વચ્ચે ભારતમાં કોરોનાના કેસ અનરાધાર વરસાદની જેમ વધી રહ્યા હોય તેમ સતત પાંચમા દિવસે ૨૦ હજાર કરતાં વધારે અને છેલ્લાં ૨૪ કલાકમાં ૨૩,૧૩૫ જેટલા કેસ નોંધાયા હતા. આ સાથે વધુ ૪૮૨ લોકોનાં મોત થયાં હતાં. અનલૉક-2માં અપાયેલી વધુ છૂટછાટને કારણે કેસ વધ્યા હોવાના અનુમાન વચ્ચે જ્યાં સૌથી વધારે કેસ નોંધાયા તે મહારાષ્ટ્ર-મુંબઈમાં આજે ૮ જુલાઈથી લૉકડાઉનના નિયમોના પાલન સાથે હોટેલ અને લૉજ ખુલ્લા મુકાયાં હતાં. જોકે રેસ્ટોરન્ટ બંધ રહેશે. એક સારી બાબત સમાન હવે કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આ સાથે જ ભારત દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે હરિયાણાના ફરિદાબાદમાં પહેલી પ્લાઝ્મા બૅન્ક શરૂ કરાશે.
આજે બુધવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કરવાની પરંપરા અનુસાર આજે સવારે જાહેર કરાયેલા આંકડા જોતાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે વધીને ૭ લાખ ૪૩ હજાર ૪૮૧ થઈ ગઈ છે. આંકડાકીય માહિતી જોઈએ તો કુલ કેસ વધીને ૭,૪૩,૪૮૧ થયા છે. સારવાર હેઠળના સક્રિય કેસ વધીને ૨,૬૫,૬૭૦ અને સાજા થયેલા દરદીઓની સંખ્યા વધીને ૪,૫૭,૦૫૮ થઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને ૨૦,૬૫૩ ઉપર પહોંચ્યો છે.

national news coronavirus covid19