કોરોનાની અસર: સેક્સ વર્કર્સને સતાવી રહ્યો છે ભુખમરાનો ડર

29 March, 2020 03:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની અસર: સેક્સ વર્કર્સને સતાવી રહ્યો છે ભુખમરાનો ડર

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને કારણે દેશના બધા જ મૉલ, મલ્ટીપ્લેક્સ અને બજારો બંધ છે. ધંધા પણ ઠપ થઈ ગયા છે. કોલકત્તાના સોનાગાછીમાં આવેલ એશિયાના સૌથી મોટા રેડલાઈટ એરિયાની સેક્સ વર્કર્સને પેટે પાટા બાંધવાનો વારો આવ્યો છે. તેમને ભુખમરાનો ડર સતાવી રહ્યો છે અને તેમના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ રહ્યાં છે. તેની પાછળનું કારણ છે કે કોરોનાને કારણે તેમનો ધંધો ઠપ થઈ ગયો છે.

રાજ્યના સેક્સ વર્કર સંગઠન 'દરબાર મહિલા સમન્વય સમિતિ' સરકાર સાથે વાતચીત કરી રહી છે કે તેમને અસંગઠિત ક્ષેત્રના કારીગરો ગણવામાં આવે જેથી તેમને નિશુલ્ક રાશન મળી શકે છે. આ સંગઠનમાં 1,30,000થી વધુ રજીસ્ટર્ડ સભ્યો છે. દરબારની એક પદાધિકારી મહાશ્વેતા મુર્ખજીએ કહ્યું કે, રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી અમને સેક્સ વર્કર્સના ફોન આવી રહ્યાં છે કે તેઓ પોતાની પરિસ્થિતિ વર્ણવી રહી છે કે તેઓ કેટલી મુશ્કેલીમાં છે. બચાવવા માટે તેઓ મદદની અપીલ કરી રહી છે. મોટાભાગની સેક્સ વર્કર્સ પાસે કરિયાણું ખરીદવાના પણ પૈસા નથી. કારણકે કોરોના વાયરસને લીધે છેલ્લા 20-21 દિવસથી તેમનો ધંધો સાવ બંધ થઈ ગયો છે.

એક વરિષ્ઠ નેતાએ આપેલી માહિતિ મુજબ, રાજ્ય સરકાર સેક્સ વર્કરને નિશુલ્ક રાશન આપવાનું વિચારી રહી છે. મહામારી દરમ્યાન ગંભીર પરિસ્થિતીનો સામનો કરી રહેલી વર્કરો માટે દરબારે એક રણનિતિ બનાવી છે. તેમજ મહિલા અને સામાજિક કલ્યાણ મંત્રી શશિ પંજાને એ સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો છે કે, દેશના અસંગઠિત ક્ષેત્રને રાજ્ય સરકાર તરફથી જે લાભ મળે છે તે લાભ સેક્સ વર્કર્સને પણ મળે. તે સિવાય મકાન માલિકને એક મહિનાનું ભાડું માફ કરવા માટેની પણ વાત કરી છે. કારણકે સોનાગાછીની 30,000થી વધુ સેક્સ વર્ખર્સ ભાડાના મકાનમાં રહે છે અને દર મહિનાનું પાંચથી છ હજાર સુધીનું ભાડું છે.

coronavirus covid19 national news kolkata