લૉકડાઉન ઇફેક્ટ, રેલવેના 13 લાખ કર્મચારીઓના પગારમાં કાપ મુકાશે

20 April, 2020 02:21 PM IST  |  New Delhi | Agencies

લૉકડાઉન ઇફેક્ટ, રેલવેના 13 લાખ કર્મચારીઓના પગારમાં કાપ મુકાશે

ભારતીય રેલવે

લૉકડાઉનને કારણે યાત્રી ટ્રેનો બંધ છે, જેથી રેલવેને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેવામાં રેલ મંત્રાલય ૧૩ લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના વેતન તથા ભથ્થાંમાં કાપ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે ટીએ, ડીએ સહિત ઓવરટાઇમ ડ્યૂટીના ભથ્થાંને સમાપ્ત કરી દેવામાં આવશે. તે પ્રમાણે ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને ટ્રેન ચલાવવા પર પ્રતિ કિલોમીટરના હિસાબથી મળતું ભથ્થું મળશે નહીં.

લૉકડાઉનને કારણે ભારતીય રેલવે પહેલાથી ગંભીર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓવરટાઇમ ડ્યૂટી માટે મળનારા ભથ્થામાં ૫૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. મેલ-એક્સપ્રેસના ડ્રાઇવર અને ગાર્ડને ૫૦૦ કિલોમીટર પર મળનારા ૫૩૦ રૂપિયાના ભથ્થામાં ૫૦ ટકાના ઘટાડાનું સૂચન છે.

ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની બેઠકમાં નિર્ણય : પીએમઓને મોકલ્યો રિપોર્ટ - રેલવે અને હવાઈ સેવા ૩ મે બાદ તરત જ શરૂ કરવામાં નહીં આવે

ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની થયેલી બેઠકમાંથી પ્રાપ્ત થઈ રહેલી વિગતો પ્રમાણે લૉકડાઉનનો બીજો ફેઝ ૩ મેએ સમાપ્ત થયા બાદ પણ રેલ અને હવાઇ સેવા શરૂ થવા જઈ રહી નથી. શનિવારે રક્ષાપ્રધાન રાજનાથસિંહના નેતૃત્વમાં કોવિડ-૧૯ માટે બનેલી જીઓએમની પાંચમી બેઠકમાં આ વિષયો પર રિપોર્ટ તૈયાર કરીને વડા પ્રધાન મોદી પાસે મોકલવામાં આવ્યો છે. સૂત્રો પ્રમાણે તેમાં કહેવામાં આવ્યું છે કે રેલ અને હવાઇ સેવા ૩ મે બાદ શરૂ થશે નહીં. ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે આ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ અને પીએમ મોદી દ્વારા સ્થિતિની સમીક્ષા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

રિપોર્ટ પ્રમાણે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ આવી સ્થિતિમાં ટ્રેન શરૂ કરવાના પક્ષમાં નથી. મંત્રીઓનું માનવું છે કે રેલગાડીઓમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો કડકથી અમલ સંભવ નથી. સૂત્રો પ્રમાણે અૅર ઈન્ડિયા અને પ્રાઇવેટ અૅરલાઇન્સને પણ ત્રણ મે બાદ બુકિંગ ન કરવાનું કહેવામાં આવ્યું છે.

મહત્ત્વનું છે કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાને પણ કહ્યું હતું કે હજુ ખાનગી વિમાન કંપનીઓ હવાઇ યાત્રાની ટિકિટનું બુકિંગ ન કરે. મહત્ત્વનું છે કે કેટલીક કંપનીઓએ ૪ મેથી આગળની ફ્લાઇટ માટે બુકિંગ શરૂ કરી દીધું હતું.

indian railways western railway national news coronavirus covid19