કોરોનાના કુલ કેસ આઠ લાખની નજીક, મરણાંક 21,604એ પહોંચ્યો

11 July, 2020 03:41 PM IST  |  New Delhi | Agencies

કોરોનાના કુલ કેસ આઠ લાખની નજીક, મરણાંક 21,604એ પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસરૂપી ગાડી જાણે કે અટકવાનું કે ધીમી પડવાનું નામ ન લેતી હોય તેમ રોજેરોજ કેસમાં નવા નવા રેકૉર્ડ નોંધાઈ રહ્યા હોય તેમ ગઈ કાલે ગુરુવારે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ૨૬,૦૦૦ કરતાં વધારે કેસ નોંધાયા હતા. અનલૉક-2ના ૯મા દિવસે આ એક જ દિવસમાં જંગી વધારો સત્તાવાળાઓ માટે ચિંતા ઉપજાવે તેમ છે. આજે શુક્રવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૬,૫૦૬ કેસ નોંધાયા હતા અને આ જ સમયગાળામાં વધુ ૪૭૫ લોકોનાં મોત થયાં હતાં. તે સાથે કેસની સંખ્યા વધીને ૭,૯૫,૭૨૯ થઈ છે, જ્યારે સારવાર હેઠળના કેસની સંખ્યા વધીને ૨,૭૭, ૯૪૨ અને સાજા થયેલાની સંખ્યા તેના કરતાં વધારે ૪,૯૬,૦૪૮ થઈ છે. તો આ તરફ દેશમાં અત્યાર સુધી ૪૩ ટકા મોત એવા દરદીઓનાં થયાં છે જેમની ઉંમર ૩૦થી ૫૯ વર્ષની વચ્ચે હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૩૦થી ૪૪ વર્ષની ઉંમરના ૧૧ ટકા દરદીઓએ જીવ ગુમાવ્યા છે. આ ચાઇનીઝ બીમારીએ સૌથી વધુ ૬૦ વર્ષની ઉંમરના લોકોને અસર કરી છે. આવા ૫૩ ટકા દરદી છે. અત્યાર સુધી દેશમાં ૨૧,૬૨૩ લોકોનાં મોત થયાં છે. સંક્રમણને રોકવા ઉત્તર પ્રદેશમાં ૧૦ જુલાઈની રાતે ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈની સવારે ૫ વાગ્યા સુધી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬,૫૦૬ કેસ સામે આવ્યા હતા. સાથે જ ૪૭૫ લોકોનાં મોત થયાં હતાં. દરમ્યાન મહારાષ્ટ્રના જેલ વિભાગે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી ૫૯૬ કેદી અને ૧૬૭ જેલ કર્મચારી પૉઝિટિવ મળી આવ્યા છે. સૌથી વધુ સંક્રમણના કેસ નાગપુર કેન્દ્રીય જેલમાં સામે આવ્યા છે. અહીંયા ૨૧૯ અને ૫૭ સ્ટાફકર્મી સંક્રમિત થયા છે.

સૂત્રોએ કહ્યું કે અમેરિકામાં અને બ્રાઝિલ બાદ ભારતમાં પ્રત્યેક દિવસે સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કાલે દેશમાં ૨૪ કલાકમાં ૨૬,૦૦૦થી વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા આઠ લાખને નજીક પહોંચી ગઈ છે.

national news coronavirus covid19 lockdown